લાક્ષાગૃહ પર કોર્ટના ચુકાદા પછી સીએમ યોગીનું નિવેદન, પાંડવોએ માંગ્યા હતા 5 ગામ, હિન્દુઓ 3 સ્થાન માંગે છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાભારત કાળનો ઉલ્લેખ કરતા મોટું નિવેદન આપ્યું

Written by Ashish Goyal
February 07, 2024 17:57 IST
લાક્ષાગૃહ પર કોર્ટના ચુકાદા પછી સીએમ યોગીનું નિવેદન, પાંડવોએ માંગ્યા હતા 5 ગામ, હિન્દુઓ 3 સ્થાન માંગે છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (તસવીર : @myogiadityanath))

Yogi Adityanath : અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યા બાદ અનેક મોટા મોટા ઘટનાક્રમ જોવા મળ્યા છે. વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે તો બીજી તરફ બાગપતમાં મહાભારત કાળના લાક્ષાગૃહને લઈને ચાલી રહેલા વિવાદ ઉપર પણ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. આ બધાની વચ્ચે હવે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મહાભારત કાળનો ઉલ્લેખ કરતા મોટું નિવેદન આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજના ત્રણ મુખ્ય સ્થળો એટલે કે કાશી, મથુરા અને અયોધ્યા વિશે આક્રમક નિવેદન આપ્યું છે અને પાંડવોના 5 ગામની માંગણીની સરખામણી કરી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે રાજ્યના બજેટ સત્ર દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પાંડવોએ કૌરવો પાસેથી માત્ર 5 ગામની માંગ કરી હતી પરંતુ દુર્યોધન તે પણ આપી શક્યો નહીં. સીએમ યોગીએ કહ્યું કે દુર્યોધને કહ્યું હતું કે સોયની અણી બરાબર પણ જમીન આપીશ નહીં. આ કારણે મહાભારતનું યુદ્ધ થયું. યોગીએ તે ઘટનાનો ઉલ્લેખ હાલમાં હિન્દુ પક્ષોની ત્રણ માંગણીઓ માટે કર્યો છે. સીએમ યોગીએ કહ્યું કે પાંડવોની પણ 5 ગામની માંગ હતી, જ્યારે હિન્દુ સમાજ માત્ર ત્રણની માંગ કરી રહ્યો છે.

સીએમ યોગીનું આખુ ભાષણ રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની આસપાસ જ જોવા મળ્યું હતું. સીએમ યોગીએ કહ્યું કે અયોધ્યામાં જે પણ થયું તે પહેલા પણ થઈ શકતું હતું. કેટલાક લોકોએ પોતાના સ્વાર્થના કારણે અયોધ્યાને યુદ્ધભૂમિમાં ફેરવી દીધું હતું. તેમણે કહ્યું કે વર્ષ 2017 પહેલા યૂપીના લોકોને હિનભાવનાથી જોવામાં આવતા હતા. તેમને હોટલોમાં સ્થાન મળતું ન હતું પરંતુ હવે આ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

આ પણ વાંચો – રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કોંગ્રેસ આ વખતે 40 સીટો પાર કરી શકશે નહીં

સર્વસંમતિથી બનાવવામાં આવ્યું રામ મંદિર

સીએમ યોગીએ કહ્યું કે આખી દુનિયાએ 22 જાન્યુઆરી 2024ની ઘટના જોઈ છે અને દેશ અભિભૂત હતો, આખી દુનિયામાં ન્યાયની તરફેણ કરનારા લોકો ગર્વ અનુભવે છે. દરેક ધર્મની આંખોમાં હર્ષના આંસુ હતા. સીએમ યોગીએ કહ્યું કે અયોધ્યામાં જે કંઇ પણ થયું તેનાથી બધાનું મન ખુશ છે કારણ કે 500 વર્ષ સુધી રાહ જોયા પછી, સર્વસંમતિથી તેનો ઉકેલ લાવવાનો રસ્તો શોધી કાઢવામાં આવ્યો અને ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું.

અખિલેશ પર યોગીનો કટાક્ષ

સીએમ યોગીએ કહ્યું કે અમે કાશી તો ગયા જ છીએ, નોઇડા અને બિજનોર પણ ગયા છીએ. યોગીએ કહ્યું કે હું અયોધ્યા, કાશી ગયો હતો, કારણ કે અમારી આસ્થા હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે ફરી એકવાર સપા પ્રમુખ અખિલેશ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યપાલે પોતાનું ભાષણ રામના નામથી શરૂ કર્યું હતું, પરંતુ વિપક્ષના નેતાએ આવું કંઇ કર્યું નહીં, કારણ કે તેમને વોટબેંકની ચિંતા છે, જે ખતરનાક સાબિત થઇ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ