ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. યોગી આદિત્યનાથ સરકારને ઉત્તર પ્રદેશની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ (OBC) અનામતના મામલે અલ્હાબાદ હાઇકોર્ટે આપેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે બુધવારે સ્ટે મૂક્યો છે. નોંધનિય છે કે, અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને (ઓબીસી માટે બેઠકો અનામત રાખ્યા વગર શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે બુધવાર, 4 જાન્યુઆરી 2023ના રોજ આ મામલે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. તો આ દરમિયાન અદાલતે આ મામલે અન્ય પક્ષકારોને પણ નોટિસ આપી છે અને ત્રણ અઠવાડિયામાં તેમનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટે ગયા વર્ષે 27 ડિસેમ્બરે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી OBC નોટિફિકેશનને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે રાજ્ય પછાત વર્ગ આયોગને 31 માર્ચ સુધીમાં OBCના રાજકીય પછાતપણા પર તેમને સ્થાનિક સંસ્થાઓમાં અનામત ક્વોટા આપવા માટે રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ઓબીસી કમિશનની રચના કરવામાં આવી છે અને તે માર્ચ સુધીમાં તેનું કામગીરી પૂર્ણ કરશે.
ગત વર્ષે 27 ડિસેમ્બરે હાઈકોર્ટે શહેરી સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી વર્ગ માટે બેઠોક રિઝર્વ રાખવા પર રોક લગાવી હતી. ઉપરાંત, અનામત માટેના ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કરવામાં આવ્યું હતું. ખંડપીઠે ચૂંટણી પંચને ચૂંટણી માટે તાત્કાલિક સૂચના જારી કરવાનો આદેશ પણ આપ્યો હતો. 17 મ્યુનિસિપલ કોર્પોરેશનોના મેયર, 200 સિટી કાઉન્સિલના અધ્યક્ષો અને 545 નગર પંચાયતોના અધ્યક્ષો માટે અનામત બેઠકોની અંતિમ યાદી બહાર પાડવાના રાજ્ય સરકારના પગલા સામે વાંધો ઉઠાવતી અરજીને પગલે આ આદેશ આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે OBC વોટ બેંક કેટલી મહત્વપૂર્ણ છે?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે રાજ્ય સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી વર્ગને અનામત બેઠકો ફાળવશે અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા હેઠળ સર્વે હાથ ધરશે. તેમણે કહ્યું હતું કે અનામતની જોગવાઈ વિના ચૂંટણી નહીં થાય અને જરૂર પડશે તો રાજ્ય હાઈકોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે ઓબીસીની વોટબેંક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2021માં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ટ્રિપલ ટેસ્ટનો નિર્દેશ
અરજદારોએ દલીલ કરી હતી કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટની ફોર્મ્યુલાનું પાલન કરવું જોઈએ અને અનામત અંગે નિર્ણય લેતા પહેલા ઓબીસીના રાજકીય પછાતપણાનો અભ્યાસ કરવા માટે એક કમિશનની રચના કરવી જોઈએ. 2021 માં, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે રાજ્યો રાજકીય ક્વોટાની ટકાવારી પર નિર્ણય લેતા પહેલા OBC વર્ગ અંગે આંકડા – માહિતી એકત્રિત કરવા માટે ટ્રિપલ ટેસ્ટ સર્વે કરે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે સામાજિક અને આર્થિક પછાતપણું રાજકીય પછાતપણા સાથે સુસંગત નથી.