Manipur : મણિપુરમાં હિંસા યથાવત્ છે. રાજ્યના જીરીબામમાં બદમાશોએ સીઆરપીએફ અને રાજ્ય પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે અને ત્રણ જેટલા જવાન ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અજાણ્યા હથિયારધારીઓએ 20મી બટાલિયન સીઆરપીએફ અને મણિપુર પોલીસની એક ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘાત લગાવીને કરેલો હુમલો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે ટીમ શનિવારની ફાયરિંગની ઘટનાથી સંબંધિત સર્ચ ઓપરેશન માટે મોનબુંગ ગામ તરફ જઇ રહી હતી. માર્યા ગયેલા સીઆરપીએફ જવાનની ઓળખ અજય કુમાર ઝા તરીકે થઈ છે, જે બિહારના રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ જવાનોમાં જીરીબામ પોલીસ સ્ટેશનના એક સબ-ઇન્સ્પેક્ટર (એસઆઈ) પણ સામેલ છે.
મુખ્યમંત્રીએ હુમલાની ટિકા કરી
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે હું આજે જીરીબામ જિલ્લામાં કુકી આતંકવાદીઓના શંકાસ્પદ સશસ્ત્ર જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના જવાનની હત્યાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કર્તવ્યના માર્ગે તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય. હું મૃતક જવાનના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને હુમલા દરમિયાન ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો – Budget 2024: બજેટ 2024માં અગ્નિવીર યોજના વિશે આ વખતે મોદી સરકારની શું યોજના છે?
એક વર્ષથી ચાલી રહી છે હિંસા
ગયા વર્ષે 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઇ રહી નથી. કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. એક વર્ષ પછી પણ છૂટક-છૂટક હુમલા થઈ રહ્યો છે. અત્યાર સુધી બંને પક્ષે એક હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક લોકો પડોશી આસામમાં પણ છુપાયા છે. જિરીબામમાં સ્થિતિ સામાન્ય નથી જે ઇમ્ફાલને કછાર સાથે જોડે છે.
કુકી સમાજના લોકો દ્વારા નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે. કુકી આદિવાસીઓએ એવો પણ આરોપ લગાવે છે કે મૈતેઇ સમુદાય તમામ આવશ્યક ચીજવસ્તુઓ અને માલવાહક ટ્રકોને પહાડોમાં પ્રવેશવા દેતા નથી. 50 હજારથી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.