Parliament Session 2024 Updates : દેશની 18મી લોકસભાનું પહેલું સત્ર આજથી શરૂ થઇ ગયું છે. આ સત્ર અનેક રીતે ખાસ રહેવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક સાંસદોએ આજે શપથ લીધા હતા.
સ્પીકર પદની ચૂંટણી 26 જૂને થશે
આવતીકાલે એટલે કે 25મીએ પણ ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. સ્પીકર પદની ચૂંટણી 26 જૂને થશે. આ પહેલા સાત વખત સાંસદ રહી ચૂકેલા ભર્તૃહરિ મહતાબને પ્રો-ટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શપથ લેવડાવ્યા હતા.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં પોતાનું સંબોધન આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ઇમરજન્સીના બહાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 25 જૂન ક્યારેય ન ભૂલે તેવો દિવસ છે.
પીએમ મોદીએ કહ્યું – આ ગૌરવનો દિવસ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18મી લોકસભા સત્ર પહેલા કહ્યું કે આ ગૌરવનો દિવસ છે. આઝાદી બાદ પ્રથમ વખત નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ નવા સંસદભવનમાં થઈ રહી છે. આ મહત્વપૂર્ણ દિવસે, હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.
આ પણ વાંચો – NEET પેપર લીક કેસ : બળી ગયેલા પ્રશ્નપત્રમાંથી પુરાવા મળ્યા, 68 પ્રશ્નો સરખા
તેમણે એમ પણ કહ્યું કે અમે બધાને સાથે લઈ જવા માંગીએ છીએ. દેશ ચલાવવા માટે સંમતિ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે ત્રીજી વખત દેશની જનતાએ અમને ચૂંટ્યા છે. અમારા હેતુઓ અને નીતિઓને મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત એક્ઝિટ પોલ અને નીટ અને યુજીસી-નેટની પરીક્ષાને લઇને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ભર્તૃહરિ મહતાબની અસ્થાયી અધ્યક્ષ તરીકે નિમણૂકને કારણે વિપક્ષે ટીકા કરી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સરકારે આ પદ માટે કોંગ્રેસના સાંસદ કે સુરેશના દાવાની અવગણના કરી છે.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે મહતાબ આ પદ માટે યોગ્ય ઉમેદવાર છે કારણ કે તેઓ સતત સાત વખત લોકસભાના સભ્ય છે. તેમણે કહ્યું કે સુરેશ 1998 અને 2004 માં ચૂંટણી હારી ગયા હતા અને તેમની વર્તમાન ટર્મ નીચલા ગૃહમાં સતત ચોથી ટર્મ છે. આ પહેલા તેઓ 1989, 1991, 1996 અને 1999માં લોકસભા માટે ચૂંટાયા હતા.





