1984 anti-Sikh riots : દિલ્હીની કોર્ટે શીખ વિરોધી રમખાણોના કેસ સોમવારે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ ફેંસલો આપ્યો છે.
દિલ્હી પોલીસે આ કેસમાં ફાંસીની માંગ કરી હતી. સજ્જન કુમાર પર 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા-પુત્રની હત્યાનો આરોપ હતો.
એક ખાસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા- અરજદાર
પોલીસે કોર્ટમાં દાખલ કરેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે નિર્ભયા કેસ કરતા આ કેસ વધુ ગંભીર છે. નિર્ભયાને એક મહિલા હોવાના કારણે નિશાન બનાવવામાં આવી હતી, જ્યારે અહીં એક ખાસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 1984માં શીખોનો નરસંહાર માનવતા વિરુદ્ધનો અપરાધ છે.
જાણો કયા કયા આરોપ નક્કી થયા
સજ્જન કુમાર પર 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા-પુત્રની હત્યાનો આરોપ હતો. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષી જાહેર કર્યા હતા. કોર્ટે તેમને રમખાણો કરવા, ગેરકાયદેસર રીતે ભીડ ભેગી કરવી અને હત્યાની કલમો હેઠળ દોષી ઠેરવ્યા હતા.
આ પણ વાંચો – ભાગલપુરમાં પીએમ મોદીનો લાલુ યાદવ પર પ્રહાર, કહ્યું – જંગલરાજ વાળા મહાકુંભને ગાળો આપી રહ્યા છે
શીખ સમુદાયના કેટલાક સભ્યોએ મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને મૃત્યુદંડની સજાની માંગ કરી હતી. કોર્ટ પરિસરની બહાર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ગુરલાદ સિંહે કહ્યું હતું કે હવે ચાર દાયકા વીતી ગયા છે, અને ન્યાયતંત્ર કહે છે કે ન્યાયમાં વિલંબ થવો એ ન્યાયનો ઇનકાર છે. અમે સજ્જન કુમાર માટે ફક્ત ફાંસીની સજાની અપીલ કરીએ છીએ.
587 એફઆઈઆર નોંધવામાં આવી હતી
હિંસા અને તેના પરિણામોની તપાસ માટે રચાયેલા નાણાવટી પંચના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં થયેલા રમખાણોના સંદર્ભમાં 587 એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં 2,733 લોકોના મોત થયા હતા. પોલીસ દ્વારા આશરે 240 એફઆઈઆરને ‘અનટ્રેસ્ડ’ બતાવીને બંધ કરવામાં આવી હતી અને 250 કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 587 એફઆઈઆરમાંથી માત્ર 28 કેસોમાં સજા થઇ અને લગભગ 400 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સજ્જન કુમાર સહિત 50 જેટલા લોકોને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.





