Rahul Gandhi : રાહુલ ગાંધી પર ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. 16 પૂર્વ ન્યાયાધીશો, 14 પૂર્વ રાજદૂતો, 123 નિવૃત્ત અમલદારો, 133 નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ સહિત 272 પ્રતિષ્ઠિત નાગરિકોએ ઓપન લેટર લખ્યો છે. આ પત્રમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસોની નિંદા કરી છે.
દેશના 272 દિગ્ગજોએ ચૂંટણી પંચના સમર્થનમાં ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. જેમાં 16 પૂર્વ ન્યાયાધીશો, 123 નિવૃત્ત અમલદારો, 14 પૂર્વ રાજદૂતો અને 133 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ પાયાવિહોણા આક્ષેપો દ્વારા ચૂંટણી પંચ સહિત બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાને કલંકિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતની લોકશાહી આજે કોઈ બહારના હુમલાથી નહીં પરંતુ ઝેરીલા રાજકીય નિવેદનોથી પડકારનો સામનો કરી રહી છે.
રાહુલ ગાંધીએ એસઆઈઆર પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના મુખ્ય પદાધિકારીઓ સાથે બેઠકમાં એસઆઈઆર પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યાં મતદાતા યાદીમાં સંશોધનનું કામ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે સ્વચ્છ મતદાર યાદી આપવી ચૂંટણી પંચની ફરજ છે, પરંતુ તેના બદલે તે રાજકીય પક્ષો પર જવાબદારી નાખવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો – તેજસ્વી યાદવની કોર ટીમમાં સંજય યાદવ અને રમીઝ સિવાય આ 4 લોકો પણ સામેલ, જાણો કોનો શું છે રોલ
‘વોટ ચોરી’ પર ભાર મૂકતા કોંગ્રેસે કહ્યું કે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચનું વર્તન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને માંગ કરી હતી કે ચૂંટણી પંચે તાત્કાલિક સાબિત કરવું જોઈએ કે તે ભાજપની છાયામાં કામ કરી રહ્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ એસઆઈઆર પ્રક્રિયાને વોટ ચોરીનું હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.





