Chhattisgarh Encounter: છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાદળોએ પાંચ માઓવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરમાં બે સૈનિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. શનિવારે સવારે બસ્તર જિલ્લાના અબુઝમાડના જંગલોમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તાર છત્તીસગઢના બસ્તર વિભાગના કાંકેર-નારાયણપુર જિલ્લાની સરહદે આવેલો છે.
પાંચ હથિયાર અને વિસ્ફોટક મળી આવ્યા
સુરક્ષા જવાનોને એન્કાઉન્ટર સ્થળ પરથી પાંચ હથિયાર અને વિસ્ફોટક મળી આવ્યા છે. માઓવાદીઓના હુમલામાં ડીઆરજીના બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત જવાનોને હાલ એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવાયા છે અને તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. બસ્તર રેંજના પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે જણાવ્યું કે આ એન્કાઉન્ટર જંગલોમાં થયું હતું.
સુંદરરાજે જણાવ્યું હતું કે કાંકેરના સરહદી જંગલોમાં અને અબુઝમાડની ઉત્તરે માઓવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી મળ્યા બાદ જિલ્લા રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના સુરક્ષા કર્મીઓની સંયુક્ત ટીમ માઓવાદી વિરોધી અભિયાન પર નીકળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સવારે લગભગ 8 વાગે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
આ પણ વાંચો – ફડણવીસે કહ્યું – એક દિવસ અખંડ ભારત બનાવીશું અને પાકિસ્તાન ઉપર પણ ભારતનો તિરંગો લહેરાવીશું
એન્કાઉન્ટર લગભગ 90 મિનિટ સુધી ચાલ્યું હતું
પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડી એમ અવસ્થીએ જણાવ્યું હતું કે છત્તીસગઢ પોલીસની એક ટીમે ચોક્કસ બાતમીના આધારે નારાયણપુરના ઓરછાથી લગભગ 19 કિલોમીટર દૂર ધુર્વેદાના જંગલોમાં એક માઓવાદી શિબિર પર દરોડા પાડ્યા હતા. માઓવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને એન્કાઉન્ટર લગભગ 90 મિનિટ સુધી ચાલુ રહ્યું હતું. ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે એન્કાઉન્ટર પૂરું થયા બાદ પોલીસે પાંચ માઓવાદીઓના મૃતદેહ અને એક કાર્બાઇન સહિતનાં શસ્ત્રો મળી આવ્યાં હતાં. ડીજીપીએ કહ્યું કે અમારા બે સૈનિકો એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે.
અબુઝમાડને ‘અજ્ઞાત પહાડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે
મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે ફેલાયેલા અબુઝમાડને ‘અજ્ઞાત પહાડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે બ્રિટિશ કાળથી 6000 ચોરસ કિલોમીટરના ગાઢ જંગલનો સર્વે કરવામાં આવ્યો નથી. નારાયણપુર જિલ્લા પ્રશાસને 2017માં સર્વે કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આઈઈડી બ્લાસ્ટ બાદ આ યોજના રદ કરવામાં આવી હતી. આ જંગલ માઓવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે અને તેમના મોટાભાગના વરિષ્ઠ સભ્યો અહીં પડાવ કરે છે. તાજેતરમાં જ બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ ત્રણ માઓવાદીઓના મૃતદેહો મેળવ્યા હતા. તેમાંથી એક પર 8 લાખ રૂપિયાનું ઇનામ હતું.