50 Years Of Emergency : ઇમરજન્સીના 50 વર્ષ પૂરા થયા છે. તે પ્રકરણને યાદ કરીને ભાજપ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આ પ્રસંગે કેન્દ્ર સરકારે પણ સંકલ્પ લીધો છે, કેબિનેટની બેઠકમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારે એક ઠરાવ પણ પસાર કર્યો છે.
ઈમરજન્સીને લઈને પીએમ મોદીએ શું કહ્યું?
આ પહેલા પીએમ મોદીએ ઇમરજન્સીને લઇને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે ભારતના લોકતાંત્રિત ઇતિહાસના સૌથી કાળા અધ્યાયોમાંથી એક કટોકટી લાગુ થયાને 50 વર્ષ પૂર્ણ થયા છે. ભારતના લોકો આ દિવસને બંધારણ હત્યા દિવસના રુપમાં ઉજવે છે. આ દિવસે ભારતીય બંધારણમાં જણાવેલ મૂલ્યોને બાજુએ મૂકી દેવામાં આવ્યા હતા, મૂળભૂત અધિકારોને સ્થગિત કરવામાં આવ્યા હતા, પ્રેસની સ્વતંત્રતા ખતમ કરી દીધી હતી અને ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એવું લાગતું હતું જ્યારે તે સમયે સત્તાધારી કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી દીધી હતી.
પીએમ મોદીની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મોટા નેતાઓએ પણ કટોકટીને દેશની લોકશાહી માટે એક કાળો અધ્યાય ગણાવ્યો હતો અને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. પત્રકાર પરિષદ દ્વારા ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આડે હાથ લેવાનું કામ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ખડગેએ દેશના વડાપ્રધાન માટે અપશબ્દો કહ્યા.
ભાજપે કેવી રીતે પ્રહાર કર્યો?
ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલા દેશની લોકશાહી પર કટોકટીના રૂપમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ 50મું વર્ષ છે જ્યારે ઈન્દિરા ગાંધીની સરકાર અને કોંગ્રેસ પાર્ટીએ દેશ પર કટોકટી લાદી હતી. આજે સમગ્ર ભારતમાં આ થીમને ધ્યાનમાં રાખીને ભાજપ આને કાળા દિવસ તરીકે રજૂ કરી રહી છે. આવી સ્થિતિમાં, આપણે કોંગ્રેસ પક્ષની હતાશા જોઈ શકીએ છીએ. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેશના વડાપ્રધાન માટે જે ભાષા બોલી છે તે નિંદનીય છે. કોંગ્રેસીઓને ખબર નથી કે કટોકટી દરમિયાન સામાન્ય ભારતીયોએ કેવા પ્રકારનાં દુ:ખ અને યાતનાઓ સહન કરી હતી.
આ પણ વાંચો – કટોકટી લાદવી હવે લગભગ અશક્ય! શું છે જનતા પાર્ટીનો એ ઐતિહાસિક સુધારો
હવે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો, બલિદાન આપનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને યુવાનોને જાગૃત કરવા અપીલ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
કેબિનેટની બેઠકના 3 નિર્ણયો
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેબિનેટની બેઠકમાં 3 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પૂણે મેટ્રો વિસ્તરણ માટે 3626 કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા હતા. બીજું, ઝરિયા (ઝારખંડ) ભૂગર્ભમાં લાગેલી આગનો બહુ જૂનો મુદ્દો છે. આ માટે 5940 કરોડ રૂપિયાના રિવાઇઝ્ડ માસ્ટર પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ત્રીજું, આગ્રામાં 111 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર સ્થાપવામાં આવશે.