Lawyers wrote a letter to the CJI : વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600 થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને ન્યાયતંત્ર પર પ્રશ્નો ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, એક જૂથ ન્યાયિક નિર્ણયોને પ્રભાવિત કરવા દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે. આ ખાસ કરીને રાજકીય વ્યક્તિત્વ અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસોમાં વધુ જોવા મળી રહ્યું છે. વકીલોએ દલીલ કરે છે કે, આ ક્રિયાઓ લોકશાહી માળખાં અને ન્યાયિક પ્રક્રિયાઓમાં મૂકવામાં આવેલા વિશ્વાસને જોખમમાં મૂકે છે.
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, અમુક જૂથો અલગ-અલગ રીતે ખોટા પ્રચાર કરી રહ્યા છે. તેનાથી ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ જૂથો એવા નિવેદનો આપે છે જે યોગ્ય નથી અને તેઓ રાજકીય લાભ લેવા માટે આમ કરે છે. રાજકીય વ્યક્તિઓ અને ભ્રષ્ટાચારના મામલામાં દબાણનો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે.
જે વકીલોએ CJIને પત્ર લખ્યો છે તેમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદી સહિત દેશભરના 600 થી વધુ વકીલોનો સમાવેશ થાય છે.
વકીલોએ પત્રમાં શું કહ્યું
વકીલોનું કહેવું છે કે, આ ચોક્કસ જૂથ ન્યાયતંત્રની કામગીરીને ઘણી રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. આમાં ન્યાયતંત્રના કહેવાતા સુવર્ણ યુગ વિશે ખોટું વર્ણન રજૂ કરવાથી માંડીને અદાલતોની વર્તમાન કાર્યવાહી પર સવાલો ઉઠાવવા અને અદાલતોમાં લોકોનો વિશ્વાસ ઘટાડવાનો સમાવેશ થાય છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ જૂથ તેના રાજકીય એજન્ડાના આધારે કોર્ટના નિર્ણયોની પ્રશંસા અથવા ટીકા કરે છે. આ જૂથ માત્ર મારા માર્ગ અથવા રાજમાર્ગના સિદ્ધાંતમાં માને છે. વળી, બેન્ચ ફિક્સિંગની થિયરી પણ આ લોકો દ્વારા બનાવવામાં આવી છે.
આ પણ વાંચો – શું કેજરીવાલ જેલમાંથી સરકાર માટે આદેશો જાહેર કરી શકે છે? સમજો નિયમ
વકીલોએ CJI ને નક્કર પગલાં ભરવાની માંગ કરી છે
વકીલોએ કહ્યું કે, રાજકારણીઓ કોઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી કોર્ટમાં તેનો બચાવ કરે છે તે ખૂબ જ વિચિત્ર છે. જો કોર્ટનો નિર્ણય તેમની ઈચ્છા મુજબ ન આવે તો તેઓ કોર્ટની અંદર અથવા મીડિયા દ્વારા કોર્ટની ટીકા કરવા લાગે છે. પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક તત્વો ન્યાયાધીશોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જજો પર પસંદગીના કેસોમાં તેમની તરફેણમાં ચુકાદો આપવા દબાણ કરી રહ્યા છે અને આ સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણા ફેલાવીને આવુ કરવામાં આવી રહ્યું છે. અમે CJI અને સુપ્રીમ કોર્ટને વિનંતી કરીએ છીએ કે, આપણા દેશની કોર્ટને આવા હુમલાઓથી બચાવવા માટે કેટલાક નક્કર પગલાં ભરે.





