lok sabha elections 2024 : લોકસભા ચૂંટણી 2024માં કુલ 8,360 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાંથી 7,194 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. એટલે કે 86.1 ટકા ઉમેદવારો પોતાના લોકસભા ક્ષેત્રમાં પડેલા વોટનો છઠ્ઠા ભાગ પણ મેળવી શક્યા નથી. તેમની ડિપોઝીટની કુલ રકમ 16.36 કરોડ થાય છે. જેને હવે આરબીઆઈ દ્વારા જમા કરાવવામાં આવશે અથવા તો સરકારી તિજોરીમાં સ્થાન મળશે.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ ભારતમાં લોકસભા ચૂંટણી લડવા માટે 25 હજાર રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટની જરૂર પડે છે. ચૂંટણી પંચે સુરક્ષા ડિપોઝિટ જમા કરાવવી ફરજિયાત કરી દીધી છે, જેથી ગંભીર લોકો જ ચૂંટણી લડવા અને ચૂંટણી લડવા માટે આગળ આવે.
ચૂંટણી પંચે 2009માં બિનઅનામત બેઠકો પરથી ઉમેદવારો માટે સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધારીને 25,000 રૂપિયા કરી હતી. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) બેઠકોના ઉમેદવારો માટે આ રકમ વધારીને 12,500 રૂપિયા કરવામાં આવી છે. જોકે વિધાનસભા ચૂંટણીમાં જમા રકમ 10,000 રૂપિયા અને એસસી અને એસટી બેઠકો માટે 5,000 રૂપિયા છે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વચ્ચે પીએમ મોદીની રિવ્યૂ મિટિંગ, અમિત શાહ અને એલજી મનોજ સિન્હા સાથે વાત કરી
કયા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જો કોઈ ઉમેદવારને ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 ટકા મત ન મળે તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. આ પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા સરકારી તિજોરીમાં જમા થાય છે.
આ વર્ષે આ સંખ્યામાં વધારો થયો
આ વર્ષે જપ્ત કરેલા નાણાંની કુલ સંખ્યામાં 2019 કરતા વધારો થયો છે. લોકસભા ચૂંટણી-2019માં કુલ 8,054 ઉમેદવારોમાંથી 6,923 એટલે કે 86 ટકા ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી, જે કુલ 15.87 કરોડ રૂપિયા હતી.

કયા પક્ષના ઉમેદવારોએ સૌથી વધુ ડિપોઝીટ ગુમાવી?
લોકસભા ચૂંટણી-2024માં સૌથી વધુ ડિપોઝિટ કયા પક્ષના ઉમેદવારોએ જપ્ત થઇ તેની વાત કરીએ તો સૌથી વધુ ઉમેદવારો બસપાના હતા. આ ચૂંટણીમાં બસપાના 476 જેટલા ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી છે. માયાવતીની પાર્ટીએ આ ચૂંટણીમાં સારો દેખાવ કર્યો નથી. પાર્ટીને એક પણ બેઠક મળી નથી.
બસપા બાદ કોંગ્રેસના 51, વંચિત બહુજન અઘાડી (વીબીએ)ના 37, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકના 30, સીપીઆઇ(એમ)ના 30, ભાજપના 28, સીપીઆઇના 23, આરપીઆઇ (એ)ના 23, એઆઇએમઆઇએમના 12 અને સપાના 10 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. અપક્ષ ઉમેદવારોની સૌથી વધારે ડિપોઝિટ જપ્ત થઇ છે. ચૂંટણીમાં ઉતરેલા 3,920 અપક્ષ ઉમેદવારોમાંથી 3,904 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. એટલે કે 8.96 કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા થઇ છે.





