Jammu Kashmir Terrrorist Attack : જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શિવખોડી જઈ રહેલા યાત્રાળુઓની બસ પર રવિવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એસએસપી રિયાસી મોહિતા શર્માએ આ જાણકારી આપી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાંજે લગભગ 6.10 વાગ્યે રાજૌરી જિલ્લાની સરહદે આવેલા રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં શિવખોડીથી કટરા તરફ યાત્રાળુઓને લઈ જતી બસને આતંકીઓએ નિશાન બનાવી હતી. જેથી બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ ખીણમાં પડી ગઇ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે રાત્રે 8.10 વાગ્યા સુધીમાં તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. એસપી રિયાસીએ તમામ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં મોકલ્યા છે.
આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે અને તેમાં જોવા મળી રહ્યું છે કે બસ રસ્તા પરથી એક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બસ ખીણમાં પડતાં જ મુસાફરો બહાર નીકળી ગયા હતા અને પત્થરો સાથે અથડાયા હતા. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના શિવખોડી મંદિરથી યાત્રાળુઓને લઈ જતી બસ પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો છે. આ શરમજનક ઘટના જમ્મુ-કાશ્મીરની ચિંતાજનક સુરક્ષા સ્થિતિની વાસ્તવિક તસવીર છે. હું શોકગ્રસ્ત તમામ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની આશા રાખું છું.
આ પણ વાંચો – નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા, કયા કયા મંત્રીઓએ લીધા શપથ?
ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરી હતી
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના રિયાસીથી ભયાનક સમાચાર આવ્યા છે, જ્યાં એક બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 મુસાફરોના મોત થયા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હું આ હુમલાની સખત નિંદા કરું છું. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે વિસ્તારોમાંથી આતંકવાદીઓને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા હતા ત્યા ફરીથી આતંકવાદની વાપસી થઇ છે. દિવંગત આત્માને શાંતિ મળે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી કામના.
થોડા દિવસો પહેલા પણ બસ ખીણમાં પડી હતી
થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના હાથરસથી આવી રહેલી બસ અખનૂરમાં એક ઊંડી ખાઈમાં પડી જતા નવ મહિલાઓ અને બે બાળકો સહિત 22 તીર્થયાત્રીઓના મોત થયા હતા અને 57 ઈજાગ્રસ્ત થયા હતા.