આધારકાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ 10 વર્ષ પહેલા જેમણે આધારકાર્ડ બનાવ્યા છે તેમના આધારકાર્ડ અપડેટ કરવા માટે સુચના આપી છે. UIDAIએ દસ વર્ષ પહેલાં તેમનો આધાર બનાવ્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધીમાં એક પણ વખત અપડેટ કરાવ્યો નથી તેવા લોકોને તેમના ડોક્યુમેન્ટ અને માહિતી અપડેટ કરવા મટે જણાવ્યુ છે..
UIDAIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે માહિતી અપડેટ કરવાનું કામ ઓનલાઈન અથવા આધાર કેન્દ્રો પર જઈને કરી શકાય છે. જોકે, તે ફરજિયાત નથી.
UIDAIએ જણાવ્યું હતું કે, “જે લોકોએ પોતાનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલા બનાવ્યું હતું અને આટલા વર્ષોમાં તેને ક્યારેય અપડેટ કર્યું નથી, આવા આધાર નંબર ધારકોને ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે.”
અપડેટ માટે ચાર્જ ચૂકવવો પડશેઃ-
UIDAI એ જણાવ્યુ કે, 10 જૂના આધારકાર્ડને અપડેટ કરાવવા માટે આધારકાર્ડ ધારકોએ અગાઉથી નક્કી કરાયેલી ફી ચૂકવવી પડશે. આધારકાર્ડ ધારકો આ ચોક્કસ ફી ચૂકવીને આધારકાર્ડ સંબંધિત તેમના વ્યક્તિગત ઓળખ અને સરનામાંના પુરાવા સંબંધિત દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ અને માહિતીઓ અપડેટ કરાવી શકે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દસ વર્ષ દરમિયાન, આધાર નંબર વ્યક્તિની ઓળખનો માન્ય પુરાવો બની ગયો છે અને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવે છે.
UIDAIએ વધુમાં જણાવ્યું હતું કે આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, લોકોએ આધાર ડેટાને લેટેસ્ટ પર્સનલ ડેટા સાથે અપડેટ રાખવા જોઈએ, જેથી કરીને આધાર વેરિફિકેશનની પ્રક્રિયામાં કોઇ મુશ્કેલી ઉભી થાય નહીં.