Aam Aadmi Party: દિલ્હીમાં આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 15 કાઉન્સિલરોએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)માંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં મેયરની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે, જોકે પાર્ટીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે મેયરની ચૂંટણી લડશે નહીં.
ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના નામે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી
આ કાઉન્સિલરોએ પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા છે અને ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના નામે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. નવી ટીમનું નેતૃત્વ હેમચંદ ગોયલ કરશે. રાજીનામું આપનારા કાઉન્સિલરોમાં મુકેશ ગોયલ, હિમાની જૈન, દેવેન્દ્ર કુમાર, રાજેશ કુમાર લાડી, સુમન અનિલ રાણા અને દિનેશ ભારદ્વાજનો સમાવેશ થાય છે.
કાઉન્સિલરો દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ બધા 2022માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર એમસીડીમાં ચૂંટાયેલા કાઉન્સિલર હતા, પરંતુ એમસીડી સત્તામાં આવવા છતાં પાર્ટીની ટોચની નેતાગીરી એમસીડીને યોગ્ય રીતે ચલાવી શકી ન હતી અને ટોચની નેતાગીરીએ મ્યુનિસિપલ કાઉન્સિલરો સાથે સંકલન કર્યું ન હતું અને તેથી જ પક્ષ વિપક્ષમાં આવ્યો હતો.
પાર્ટી છોડનારા કાઉન્સિલરોએ આરોપ લગાવ્યો છે કે જનતાને આપેલા વચનો પૂરા થયા નથી અને તેથી તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.
દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પરાજય થયો
2025ની વિધાનસભા ચૂંટણીમાં 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (આપ)ને માત્ર 22 બેઠકો મળી હતી. કોંગ્રેસ આ વખતે પણ પોતાનું ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં ભાજપે 27 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે. દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપ વચ્ચે સતત વાકયુદ્ધ ચાલી રહ્યું છે. દિલ્હીમાં પાણી ભરાવવા, વીજળી કાપ સહિતના તમામ મુદ્દે બંને પક્ષના નેતાઓ એકબીજા પર પ્રહારો કરે છે.
આ પણ વાંચો – રામગોપાલ યાદવનું વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર વિવાદિત નિવેદન, જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો
‘આપ’ ભાજપને કેવી રીતે ઘેરી શકશે?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પર સવાલો ઉભા થયા હતા કારણ કે પાર્ટીએ ચૂંટણી દરમિયાન જાહેરાત કરી હતી કે દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે, પરંતુ ભાજપે મોટી જીત નોંધાવીને રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ હવે આપને એમસીડીમાં જોરદાર ઝટકો લાગ્યો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું પાર્ટી દિલ્હીમાં ભાજપ સરકારને ઘેરી શકશે? કારણ કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર છે, દિલ્હીમાં ભાજપની પૂર્ણ બહુમતિવાળી સરકાર છે અને એમસીડીમાં તેના મેયર પણ છે. ચોક્કસથી આનાથી દિલ્હીના રાજકારણના સમીકરણો બદલાશે અને આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી આ મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરશે તે જોવું રહ્યું.





