AAP Foreign Funding : દિલ્હીની વિવાદિત દારૂ નીતિ હોય કે પછી સ્વાતિ માલીવાલ કેસ. આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. હવે ઈડીએ પોતાના તપાસ રિપોર્ટમાં પાર્ટીના વિદેશી ફંડિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈડીએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડિંગનો સમગ્ર તપાસ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે. આપને 2014-2022 દરમિયાન 7.08 કરોડ રૂપિયાનું વિદેશી દાન મળ્યું હતું.
ઈડીએ પોતાના તપાસ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર એફસીઆરએ, આરપીએ અને આઈપીસીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ખાસ વાત એ છે કે આ તપાસ રિપોર્ટમાં આમ આદમી પાર્ટીને વિદેશી ફંડિંગ આપનારા લોકોની ઓળખ અને રાષ્ટ્રીયતાની સાથે સાથે અન્ય તમામ જરૂરી દસ્તાવેજો પણ અટેચ કરવામાં આવ્યા છે. જે આમ આદમી પાર્ટી માટે એક નવી સમસ્યાનો સંકેત આપી રહ્યા છે.
‘આપ’ને ક્યાંથી મળ્યું દાન?
ઇડીએ આપના વિદેશી ભંડોળની તપાસ કરી છે અને ખુલાસો કર્યો છે કે પાર્ટીને અમેરિકાથી લઇ કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાંથી અનેક દાતાઓ પાસેથી પૈસા મળ્યા છે. ફંડ ટ્રાન્સફર કરવા માટે લોકોએ એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઇમેલ આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો – કેજરીવાલના નિવાસસ્થાનેથી મળ્યા સીસીટીવી ફૂટેજ! શું સ્વાતિ માલીવાલ કેસનું રહસ્ય ઉકેલાશે?
આ દરમિયાન ઈડીએ પોતાની તપાસમાં આપ અને તેના નેતાઓ દ્વારા વિદેશી ફંડ એકઠું કરવામાં અનિયમિતતાના અનેક મામલાઓ તરફ ધ્યાન દોર્યું છે. પક્ષના ધારાસભ્ય દુર્ગેશ પાઠક અને અન્ય નેતાઓ પર 2016માં કેનેડામાં ભંડોળ ઉભું કરીને એકઠા કરેલા નાણાંનો વ્યક્તિગત લાભ લેવાનો પણ આરોપ લગાવ્યો હતો.
દાનદાતાઓની ઓળખ છુપાવવામાં આવી
આમ આદમી પાર્ટીના વિદેશી દાનને લઇને ઇડી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અમેરિકા અને કેનેડામાં ફંડ રેડિંગ કેમ્પેઇન દ્વારા પૈસા ભેગા કર્યા પણ વિદેશી ફંડ પર એફસીઆરએ અંતર્ગત લગાવેલા પ્રતિબંધોથી બચવા માટે આપે બુક ઓફ એકાઉન્ટ્સમાં વાસ્તવિક ધનદાતાઓની ઓળખ પણ છુપાવી છે. જેના કારણે પાર્ટીની મુસીબત વધારે વધી શકે છે.