Manish Sisodia Jangpura Election 2025: આમ આદમી પાર્ટીએ સોમવારે આશ્ચર્યજનક નિર્ણય લેતા મનીષ સિસોદિયાની વિધાનસભા સીટ બદલી નાખી છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી યાદી મુજબ સિસોદિયા હવે પટપડગંજથી નહીં પરંતુ જંગપુરા વિધાનસભા સીટથી ચૂંટણી લડશે. આ યાદી સામે આવતા જ લોકોના મનમાં પહેલો સવાલ ઉભો થયો કે અરવિંદ કેજરીવાલ બાદ પાર્ટીના બીજા નંબરના સૌથી મોટા ચહેરા મનીષ સિસોદિયાની સીટ બદલવાની જરૂર કેમ પડી? આવો તમને કેટલાક કારણો વિશે જણાવીએ જેના કારણે પાર્ટીને આ નિર્ણય લેવો પડ્યો છે.
મનીષ સિસોદિયા નજીકના મુકાબલામાં જીત્યા હતા સીટ
મનીષ સિસોદિયાની બેઠક બદલવા પાછળનું સૌથી મોટું કારણ આ બેઠક પર ગત વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે. સિસોદિયાએ ગત વખતે પટપડગંજ બેઠક પર ખૂબ જ ઓછા અંતરથી જીત મેળવી હતી. સિસોદિયા અને ભાજપના ઉમેદવાર રવિન્દ્ર સિંહ નેગી વચ્ચે જીતનું અંતર 3000 વોટોનું જ હતું. આમ આદમી પાર્ટીમાં કોઈને પણ આશા ન હતી કે પટપડગંજ બેઠક પર ચૂંટણીનો મુકાબલો આટલો નજીતનો રહેશે.
આ ચૂંટણી પરિણામ બાદથી મનીષ સિસોદિયા પોતાની સીટ પર કામ કરી રહ્યા હતા, પરંતુ કદાચ તેમને ડર હતો કે આ વખતે તેમના માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે. આનું એક મોટું કારણ પટપડગંજ બેઠક પર ઉત્તરાખંડના મતદારોની મોટી વસ્તી છે.
ભાજપના નેતા રવિન્દ્રસિંહ નેગી મૂળ ઉત્તરાખંડના છે. રવિન્દર સિંહ નેગીએ ગત ચૂંટણી હાર્યા બાદ પણ આ સીટ પર પોતાની સક્રિયતા જાળવી રાખી છે. તેમણે સતત આપ અને અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે.
મનીષ સિસોદિયા 18 મહિનાથી જેલમાં હતા
બેઠક બદલવાનું બીજું કારણ સિસોદિયાનું જેલમાં લાંબા સમય સુધી રહેવું છે. મનીષ સિસોદિયાને કથિત આબકારી કૌભાંડમાં 18 મહિનાની જેલની સજા થઈ હતી. જેલમાં રહેવા દરમિયાન તેઓ પોતાની વિધાનસભા બેઠક પર મતદારોનો સંપર્ક કરી શક્યા ન હતા. જોકે જામીન પર બહાર આવ્યા બાદ તેમણે ફરી પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કદાચ 18 મહિના ભરપાઇ કરવી તેમના માટે સરળ ન હતું.
આવી સ્થિતિમાં સિસોદિયા એવી બેઠકની શોધમાં હતા જ્યાં આમ આદમી પાર્ટીનું મજબૂત મેદાન હોય અને તેઓ સરળતાથી જીતી શકે. કારણ કે તેમને કેટલીક વધુ બેઠકો પર પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે સમય આપવો પડશે.
શું જંગપુરા સેફ બેઠક છે?
એક સવાલ એ પણ છે કે સિસોદીયા માટે જંગપુરાની બેઠક કેમ પસંદ કરવામાં આવી? તેનું મુખ્ય કારણ એ છે કે જંગપુરા બેઠક પર 2015 અને 2020ની ચૂંટણીમાં આપનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. 2015માં આપ પાર્ટી 20 હજારથી વધુ અને 2020માં 16 હજારથી વધુ મતોથી જીતી હતી. આવી સ્થિતિમાં પાર્ટીએ મનીષ સિસોદિયા માટે આ બેઠકને ખૂબ જ સુરક્ષિત માની છે.
આ પણ વાંચો – શું સાચે જ અમેરિકા કરી રહ્યું છે દેશને અસ્થિર? ભાજપના આરોપ પર પ્રથમ વખત અમેરિકાનો જવાબ
આમ આદમી પાર્ટીનો મુખ્ય આધાર દિલ્હી છે. દિલ્હીથી બહાર નીકળીને પાર્ટીએ પંજાબમાં સરકાર બનાવી છે તેમજ ઘણા રાજ્યોમાં ચૂંટણી લડી છે, પરંતુ દિલ્હી દેશની રાજધાની છે અને છેલ્લી બે ચૂંટણીઓ મોટા અંતરથી પાર્ટી જીતી છે. તેથી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે પણ દિલ્હીમાં મોટી જીત મેળવવા માંગે છે. આ માટે કેજરીવાલ સતત દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે અને ખૂબ જ સમજી વિચારીને ટિકિટ વહેંચી રહ્યા છે.
આપ બે વખત મોટા માર્જિનથી જીતી છે
દિલ્હીમાં 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીએ 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં મોટા અંતરથી જીત મેળવી છે.
કેજરીવાલ આ ચૂંટણીને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે અને પાર્ટીના ઉમેદવારોની પસંદગીમાં આ વાત સ્પષ્ટ છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટીએ પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. તેના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આવા નેતાઓમાં પૂર્વ મંત્રી કૈલાશ ગહલોત, ધારાસભ્ય બ્રહ્મ સિંહ તંવરનો સમાવેશ થાય છે. પૂર્વ મંત્રી રાજ કુમાર આનંદ, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને અન્ય કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલ અને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવતા દિલીપ પાંડેએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.
તો બીજી તરફ ભાજપ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં સત્તા પરથી હટાવવા માંગે છે. 2015 અને 2020ની ચૂંટણીમાં દિલ્હી ભાજપના પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ટોચના નેતાઓએ પક્ષના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો, પરંતુ પાર્ટી જીતી શકી ન હતી.