AC Accident Death Video Delhi : ‘મૃત્યુ અટલ છે, જ્યાં લખેલું હોય ત્યાં આવે છે. સમય તેને ગમે ત્યાંથી લઈ જાય છે.’ દિલ્હીના કરોલ બાગ વિસ્તારની ગલીમાં આરામથી ઊભેલા એક છોકરા સાથે કંઈક આવું જ થયું, બિલ્ડિંગના બીજા માળેથી એક એસી તેના માથા પર પડ્યું અને છોકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ ઘટના શનિવારે બની હોવાનું કહેવાય છે. આ ભયાનક દ્રશ્ય શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અકસ્માતમાં અન્ય એક છોકરો પણ ઘાયલ થયો હતો
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શનિવારે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક બિલ્ડિંગના બીજા માળેથી AC નું આઉટડોર યુનિટ અચાનક પડતા 18 વર્ષના છોકરાનું દુઃખદ મૃત્યુ થયું હતું. ડોરીવાલા વિસ્તારમાં રહેતો જીતેશ અને પટેલ નગરમાં રહેતો 17 વર્ષીય પ્રાંશુ બિલ્ડીંગની નીચે ઉભા રહીને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઉપરનું એસી યુનિટ નીચે પડી ગયું હતું. જિતેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં પ્રાંશુ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે ગુનો નોંધ્યો હતો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ઘટના શનિવારે સાંજે 6.40 વાગ્યાની આસપાસ બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, જીતેશ તેના સ્કૂટર પર બેસીને પ્રાંશુ સાથે વાત કરી રહ્યો છે. બંને એકબીજાને ગળે મળે છે અને પ્રાંશુ થોડો પાછળ ખસતા જ તે સમયે બીજા માળેથી એક ભારે એસી જીતેશ પર પડે છે. જીતેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Gujarati News 19 August 2024 LIVE: મહારાષ્ટ્રના નાસિકમાં દૂધ ભરેલું ટેન્કર 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી, 5ના મોત, 4 ઘાયલ
પોલીસ પ્રાંશુનું નિવેદન લેશે
પોલીસે IPC કલમ 125 (A) (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતું કૃત્ય) અને 106 (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાંશુ આ કેસમાં નિવેદન આપવા માટે હજુ ઉપલબ્ધ નથી. પ્રાંશુના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.





