/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Acharya-Pramod-Krishnam.jpg)
કોંગ્રેસમાંથી બહાર કરવામાં આવેલા નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ પર આકરા પ્રહારો કર્યા (તસવીર - આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ટ્વિટર સ્ક્રિનગ્રેબ)
lok sabha election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા વાયનાડથી લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ પોતાની 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન પીએમ મોદીના નારા 'મોદી કી ગેરંટી' વિશે ઉગ્ર નિવેદનો આપ્યા હતા અને કેન્દ્રની મોદી સરકારની પણ ટીકા કરી હતી. હવે આ મામલે કોંગ્રેસમાંથી બહાર કરવામાં આવેલા નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પાગલ થઈ ગયા છે, જેનું કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે.
તાજેતરમાં કલ્કિ ધામના પીઠાધિશ્વર આચાર્ય પ્રમોદે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ પછી કલ્કી ધામના શિલાન્યાસ માટે પીએમ મોદી સંભલ પણ ગયા હતા. તે દરમિયાન આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે કલ્કિ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ પીએમ મોદીના હાથે જ કરવામાં આવશે.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની બરબાદીનું કારણ પણ રાહુલ ગાંધી છે, જેના કારણે પાર્ટીના મોટા મોટા નેતાઓનું અપમાન થઇ રહ્યું છે અને જનતામાં કોંગ્રેસ પાર્ટીનું કદ ઘટી રહ્યું છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે મોટા નેતાઓનો આ તિરસ્કાર કોંગ્રેસ પાર્ટીને બરબાદ કરી દેશે.
જ્યાં સુધી રાહુલ ગાંધી કોંગ્રેસમાં રહેશે ત્યાં સુધી પાર્ટી ક્યારેય ઉભી નહીં રહી શકે
એક સમય હતો જ્યારે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ટીવી ડિબેટમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનોનો બચાવ કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે તેમણે રાહુલ સામે ખુલ્લેઆમ પ્રહાર કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધી કોંગ્રેસમાં રહેશે ત્યાં સુધી પાર્ટી ક્યારેય ઉભી નહીં રહી શકે. જો તમે કમલનાથ, ગુલામ નબી આઝાદ, દિગ્વિજય, જિતિન પ્રસાદ, આરપીએન સિંહ, આનંદ શર્મા, સુષ્મિતા દેવ જેવા નેતાઓ સાથે વાત કરશો તો સત્ય પોતે જ સામે આવી જશે.
આ પણ વાંચો - પીએમ મોદીએ આઝમગઢમાં વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું – આજે અહીં માફિયા નહીં કાનૂનનું રાજ છે
ફરી આવી રહી છે મોદી સરકાર!
આચાર્ય પ્રમોદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે ડૂબતું જહાજ છે અને રાહુલ ગાંધીના રહેતા કોંગ્રેસ પાર્ટીનો સફાયો પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની તાનાશાહીના કારણે કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડવા તૈયાર છે. કોંગ્રેસની ટીકા કરતા આચાર્ય પ્રમોદે ફરી એકવાર કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ફરી એકવાર જંગી બહુમતી મળશે.
ભાજપ અને પીએમ મોદી સામે બનેલા વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધન પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે આ ચોરોનું ગઠબંધન છે, જે એકબીજાની પીઠમાં ખંજર ભોંકી રહ્યા છે. તે ક્યારેય મોદી સાથે સ્પર્ધા કરી શકે નહીં. લોકો મોદીની સાથે છે. આ વખતે પણ કેન્દ્રમાં મોદી સરકાર બનશે.
માયાવતીએ સમજી વિચારીને લીધો નિર્ણય
કોંગ્રેસ હજુ પણ પ્રયત્ન કરી રહી છે કે યુપીમાં સપાની સાથે બસપા પણ ગઠબંધનમાં જોડાય. જોકે બસપા સુપ્રીમો અને પૂર્વ સીએમ માયાવતીએ વારંવાર કહ્યું છે કે તેઓ કોઈ પણ વિપક્ષી દળોના ગઠબંધનમાં સામેલ નહીં થાય. માયાવતીના ઇન્ડિયા બંધનમાં સામેલ થવાના સવાલ પર પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે માયાવતી સમજદાર છે. તે જાણે છે કે ચોરોના સમૂહમાં જવાનો નિર્ણય યોગ્ય નહીં હોય.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે, જેમણે લખનઉમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી લડી છે. તે મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રાજકીય સલાહકાર પણ રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us