Adani-Hindenburg Row: હિંડેનબર્ગ વિવાદ ફરી એક વખત રાજકીય ભૂકંપ લાવ્યો છે. સેબીએ જૂનમાં મોકલેલી નોટિસના જવાબમાં અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી કેસમાં કાર્યવાહી ન કરવા બદલ સેબીના વડા માધવી પુરી બુચને નિશાન બનાવ્યા હતા. આ રિપોર્ટ પછી કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સેબીના વડા પર સવાલો ઉઠાવ્યા હતા અને એમ પણ પૂછ્યું હતું કે સેબીના વડા માધવી પુરી બુચે હજી સુધી તેમના પદ પરથી રાજીનામું કેમ આપ્યું નથી?
હિંડેનબર્ગ કેસમાં રાહુલ ગાંધીએ સેબીને સવાલ કર્યા છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર પર પ્રહાર પણ કર્યો છે. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે સેબી રિટેલ ઇન્વેસ્ટર્સની સંપત્તિની જવાબદારી સંભાળે છે, તેના જ પ્રમુખ સામે ઊભા થયેલા પ્રશ્નોએ સંસ્થાની ઇમનદારીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને સેબી બંને પર કર્યા પ્રહાર
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે હિંડેનબર્ગ રિપોર્ટ આવ્યો ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી, સેબી અને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલે આ મામલાની તપાસ માટે જોઇન્ટ પાર્લેયામેન્ટ્રી કમિટી (જેપીસી)ની રચના કરવાની માંગ કરી હતી. હવે રાહુલે ફરી એકવાર આ જ માંગ ઉઠાવી છે. રાહુલ ગાંધીએ તાજેતરના કેસમાં કહ્યું હતું કે દેશભરમાં ઇમાનદાર રોકાણકાર સવાલ પૂછી રહ્યા છે સેબીના વડાએ હજી સુધી પોતાનું પદ કેમ છોડ્યું નથી.
આ પણ વાંચો – સેબી વિશે હિંડેનબર્ગના ખુલાસા પર અદાણી ગ્રુપનું નિવેદન, અમારું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રક્ચર પારદર્શક
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પર તપાસ કરશે સુપ્રીમ કોર્ટ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સમગ્ર મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ અને વીડિયો દ્વારા પોતાનો પક્ષ રાખ્યો છે. રાહુલે પૂછ્યું છે કે જો રોકાણકારો પોતાની કમાણી ગુમાવી દે છે તો તેના માટે જવાબદાર કોણ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના પ્રમુખ કે ગૌતમ અદાણી? રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે હિંડેનબર્ગ દ્વારા જે નવો કેસ સામે આવ્યો છે, શું તેની સુઓમટો સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટ તપાસ કરશે?
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લગાવ્યો આરોપ
હિંડેનબર્ગ કેસમાં પહેલો રિપોર્ટ આવ્યો ત્યારે રાહુલે આ મામલાની તપાસ સંસદની સંયુક્ત સમિતિથી કરાવવાની માગણી કરી હતી, પરંતુ તે દરમિયાન સરકારે રાહુલ અને વિપક્ષની માગણી ફગાવી દીધી હતી. આ પછી હિંડેનબર્ગનો નવો રિપોર્ટ સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ મામલે પીએમ મોદીને ઘેરી લીધા છે અને કહ્યું હતું કે હવે નવા રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ નરેન્દ્ર મોદી જેપીસી તપાસથી આટલા ડરે કેમ છે, કારણ કે તેનાથી તમામ બારીકાઈઓની ખબર પડી જશે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ જેપીસીની માંગ ઉઠાવી
ઉલ્લેખનીય છે કે આ પહેલા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સેબી ચીફ પર લાગેલા કેટલાક આરોપોની તપાસ જેપીસી દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ જેપીસી તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખડગેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અદાણી ગ્રુપના કૌભાંડોની તપાસ કરીને સેબી પર લાગેલા આરોપો પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.





