Afghan Boy Hide In Flight Wheel Reached Delhi: દિલ્હી એરપોર્ટ પર એક આશ્ચર્યચકિત કરતી ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાનથી એક 13 વર્ષનો છોકરો વિમાનના પાછળના ટાયરમાં છુપાઇ કાબુલથી દિલ્હી આવી પહોંચ્યો હતો. આ ઘટના રવિવારની છે. આ છોકરો વિમાનના ટાયરમાં લગભગ 94 મિનિટની ખતરનાક ઉડાન બાદ કાબુલથી દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો હતો. ચાલો જાણીયે સંપૂર્ણ ઘટના વિશે વિગતવાર
રવિવારે અફઘાનિસ્તાનની એરલાઇન કેએએમ એરની ફ્લાઇટ RQ4401 માં આ ઘટના બની છે. એક 13 વર્ષનો છોકરો વિમાનના પાછલા ટાયરમાં છુપાઇ ગયો હતો. આ ફ્લાઇટ કાબુલથી દિલ્હી આવી રહી હતી. દિલ્હી ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર આ ફ્લાઇટ લેન્ડ થઇ ત્યારે આ છોકરો દેખાતા બધા ચોંકી ગયા હતા. એરપોર્ટના સુરક્ષાદળોએ છોકરાને પકડી લીધો અને કડક પુછપરછ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, આ છોકરો અફઘાનિસ્તાનનો રહેવાસી છે. તેણે જણાવ્યું કે, તે ઇરાન જવા માંગતો હતો, પરંતુ ભુલથી ભારત આવતી ફ્લાઇટમાં છુપાઇ ગયો. તેણે એરપોર્ટની અંદર પેસેન્જરોની પાછળ ચાલતા ચાલતા વિમાનના ટાયરમાં છુપાઇ ગયો હતો. સુરક્ષા નિષ્ણાંતોનું કહેવું છે કે, વિમાનમાં આવી રીતે છુપાવવું બહુ જ ખતરનાક સાબિત થઇ શકે છે. ઓક્સિજનનો અભાવ અને અતિશય ઉંચાઇને કારણે વ્યક્તિ ગણતરીની સેકન્ડોમાં બેહોશ થઇ શકે છે અને જીવ પણ ગુમાવી શકે છે.
જ્યારે વિમાન આકાશમાં ઉડાન ભરે છે ત્યારે ટાયર અંદરની તરફ જતા રહે છે અને દરવાજા બંધ થઇ જાય છે. આ ઘટનામાં એવું લાગે છે કે, છોકરો આ બંધ જગ્યામાં છુપાયો. જાણકારોનું કહેવું છે કે, સામાન્ય રીતે 30 હજાર ફુટની ઉંચાઇ પર તાપમાન -40 થી -60 ડિગ્રી સુધી ઘટી જાય છે અને ઓક્સિજન બહુ જ ઓછું હોય છે. પરંતુ આ છોકરાના કિસ્સામાં તે ઓછી ઉંચાઇ પર દબાણ અને તાપમાન સામાન્ય રહેવાથી જીવીત રહી શક્યો છે.
હાલ છોકરો ઇમિગ્રેશન વિભાગની નિગરાનીમાં છે અને અધિકારીઓ તેની પુછપરછ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, છોકરાને પરત અફઘાનિસ્તાન મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.