વિજય રુપાણીને યાદ કરી ભાવુક થયા પીએમ મોદી, કહ્યું – ખૂબ મહેનતુ અને પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા

Ahmedabad Air India Plane Crash : પીએમ મોદીએ દિવંગત પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહ્યું - વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે

Written by Ashish Goyal
Updated : June 13, 2025 17:35 IST
વિજય રુપાણીને યાદ કરી ભાવુક થયા પીએમ મોદી, કહ્યું – ખૂબ મહેનતુ અને પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા
પીએમ મોદીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના પરિવારને મળી સાંત્વના પાઠવી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

Ahmedabad Air India Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ દિવંગત પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુજરાતમાં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. પીએમ મોદીએ વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

પીએમ મોદીએ એક્સ પરની પોસ્ટમાં લખ્યું કે વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના. ૐ શાંતિ…!!

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.

આ પણ વાંચો – ‘મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું કેવી રીતે બચી ગયો’, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા વિશ્વાસ કુમારે કહી આપવીતી

વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી – પીએમ મોદી

તેમણે કહ્યું કે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને મળ્યા હતા. તેમણે પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વ્યક્તિ રહેલા વિશ્વાસ કુમારની પણ મુલાકાતી લીધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ