BJP-AIADMK Alliance News : તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્લાનિંગ શરૂ કરી દીધું છે અને પાર્ટીએ ફરી એકવાર પોતાના જૂના પાર્ટનર એટલે કે AIADMK સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે છે અને આજે તેમણે એઆઈએડીએમકેના વડા પલાનીસ્વામી સાથે પત્રકાર પરિષદમાં AIADMK-BJP ગઠબંધનની જાહેરાત કરી હતી.
એઆઈએડીએમકે અને ભાજપના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે એઆઈએડીએમકે અને ભાજપના નેતાઓએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે એઆઈએડીકે, ભાજપ અને તમામ સાથી પક્ષો એનડીએ તરીકે આગામી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધન પર શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ (વિપક્ષ) લોકો દ્વારા ધ્યાન ભટકાવવા માટે નીટ અને સીમાંકનનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એઆઈએડીએમકેની કોઈ શરતો અને માંગણીઓ નથી. એઆઈએડીએમકેની આંતરિક બાબતોમાં અમારી કોઈ દખલ રહેશે નહીં. આ ગઠબંધન એનડીએ અને એઆઈએડીએમકે બંને માટે ફાયદાકારક સાબિત થવાનું છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, જાણો ભાષણની ખાસ વાતો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી રાષ્ટ્રીય સ્તર પર પીએમ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સ્તર પર એઆઇએડીએમકે નેતા પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે.
આ દરમિયાન અમિત શાહે કહ્યું કે અમે જનતાના અસલી મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જઈશું અને મારું માનવું છે કે તમિલનાડુના લોકો અસલી મુદ્દાઓ જાણે છે અને ડીએમકે પાસેથી જવાબ પણ ઈચ્છે છે.