Akasa Air Flight : દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી આકાસા એરની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી છે. આ કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરનારી ફ્લાઈટ તાત્કાલિક દિલ્હી પરત ફરી હતી. વિમાનમાં 184 લોકો સવાર હતા. અકાસા એરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ ક્યૂપી 1335ને બપોરે 2 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આકાશા એરના એક પ્રવક્તાએ કહ્યું હતું કે 16 ઓક્ટોબર, 2024 ના રોજ દિલ્હીથી બેંગલુરુ માટે ઉડાન ભરનાર અને 174 મુસાફરો, 3 શિશુઓ અને 7 ક્રૂ મેમ્બર્સને લઇને જતા આકાશા એર ફ્લાઇટ ક્યૂપી 1335 સુરક્ષા ચેતવણી મળી હતી. આકાશા એરની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
પાયલોટને દિલ્હી પાછા લાવવાની સૂચના આપવામાં આવી
એર લાઇન દ્વારા પાયલોટને કહેવામાં આવ્યું કે પૂરી સાવધાની સાથે વિમાનને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત લાવવામાં આવે. કેપ્ટને દિલ્હી ખાતે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
દિલ્હી પોલીસ કરી રહી છે વિમાનની તપાસ
દિલ્હીમાં લેન્ડ થયા બાદ ફ્લાઇટ દિલ્હી પોલીસે જપ્ત કરી લીધી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીથી બેંગલુરુ જઇ રહેલી આકાશા એર ફ્લાઇટમાં બોમ્બની ધમકીને લઇને સુરક્ષા એલર્ટ મળ્યું હતું. સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરીને, વિમાનને તાત્કાલિક દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર પાછું મોકલવામાં આવ્યું હતું, જ્યાં તે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.જોકે વિમાનમાં કોઇ વાંધાજનક મળ્યું ન હતું.
આ પણ વાંચો – પ્રિયંકા ગાંધી વાયનાડ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે, કોંગ્રેસે કરી જાહેરાત
દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે વિમાનને આઇસોલેશનમાં રાખવામાં આવ્યું છે અને મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.
ખાસ વાત એ છે કે મંગળવારે સાત ફ્લાઈટને સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમાંથી એક ફ્લાઈટ અમેરિકા જઈ રહી હતી. જેને પગલે સુરક્ષા એજન્સીઓએ વિવિધ એરપોર્ટ પર એન્ટી ટેરર ડ્રિલ શરૂ કરી હતી. જણાવી દઈએ કે સોમવારે પણ આવી જ ધમકીઓ એર ઈન્ડિયા અને અન્ય ફ્લાઈટ્સને ઉડાવવા માટે આપવામાં આવી હતી.