Amit Shah Stalin Delimitation: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે તમિલનાડુ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સામે આકરા પ્રહારો કર્યા. સીમાંકન મામલે સ્ટાલિને આપેલા નિવેદન સામે વળતા જવાબમાં મોટી જાહેરાત કરતાં તેમણે જણાવ્યું કે, સીમાંકનને કારણે દક્ષિણના રાજ્યો એક પણ સંસદીય બેઠક ગુમાવશે નહીં. પૂરતો હિસ્સો મળશે.
કોઈમ્બતુર, તિરુવન્નામલાઈ અને રામનાથપુરમમાં પાર્ટી કાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ કાર્યકરોને સંબોધતા શાહે કહ્યું કે, આજે એક બેઠક યોજાશે જેથી ખાતરી કરી શકાય કે સીમાંકનને કારણે દક્ષિણને નુકસાન ન થાય. તમિલનાડુમાં જનતા પરેશાન છે. આ જ કારણ છે કે તમિલનાડુના મુખ્યમંત્રી (એમકે સ્ટાલિન) અને તેમના પુત્ર (ઉદયનિધિ સ્ટાલિન) જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, મોદી સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે સીમાંકન પછી, પ્રમાણસર ધોરણે, કોઈપણ દક્ષિણ રાજ્યમાં એક પણ બેઠક ઘટાડવામાં આવશે નહીં. અને હું દક્ષિણ ભારતના લોકોને ખાતરી આપવા માંગુ છું કે મોદીજીએ તમારા હિતને ધ્યાનમાં રાખ્યું છે કે એક પણ બેઠક પ્રમાણસર ઘટાડી ન શકાય. બેઠકોમાં ગમે તે વધારો થાય, દક્ષિણના રાજ્યોને વાજબી હિસ્સો મળશે, આમાં શંકા કરવાનું કોઈ કારણ નથી.
અહીં નોંધનિય છે કે, અમિત શાહની આ ટિપ્પણી મંગળવારે સ્ટાલિને કરેલા નિવેદનનો સીધો જવાબ હતો , જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે સીમાંકન કવાયતને કારણે રાજ્ય તેના 39 લોકસભા મતવિસ્તારોમાંથી આઠ ગુમાવી શકે છે, જેના કારણે તેની બેઠકો 31 થઈ શકે છે. સ્ટાલિને આ પ્રક્રિયાને ” દક્ષિણ ભારતના માથા પર લટકતી તલવાર ” તરીકે વર્ણવી હતી, જેનાથી તમિલનાડુ માટે પ્રતિનિધિત્વ અને અધિકારોમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત થઈ હતી.
ગૃહમંત્રીએ તેમની ટીકામાં પાછળ ન રહ્યા, સ્ટાલિન પર તમિલ લોકો સાથે જૂઠું બોલવાનો અને તેમની સરકારની કથિત નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે મુદ્દાઓ વધારવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે, તમે તમિલ લોકો સાથે જૂઠું બોલી રહ્યા છો અને સીમાંકન અંગે ખોટા દાવાઓ કરીને તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છો. વધુમાં તેમણે કહ્યું કે, હું તમારો જવાબ માંગું છું, તમે આ ખોટા દાવા કેમ કરી રહ્યા છો?
DMK ભ્રષ્ટાચારમાં માસ્ટર ડિગ્રી ધરાવતો પક્ષ – અમિત શાહ
સીમાંકનથી આગળ વધીને, શાહે ભ્રષ્ટાચાર, શાસન અને કાયદો અને વ્યવસ્થા અંગે શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકારના ટ્રેક રેકોર્ડને આવરી લેતા મામલે સરકારને ઘેરતાં કહ્યું કે, DMK ભ્રષ્ટાચારમાં માસ્ટર ડિગ્રી ધરાવતો એક પક્ષ છે,” તેમણે નામ ન આપનારા પક્ષના નેતાઓ પર મની લોન્ડરિંગ, રેતી ખનન અને 2G કૌભાંડ સહિતના કૌભાંડોમાં સંડોવણીનો પણ આરોપ લગાવ્યો.
અમિત શાહે તમિલનાડુની વર્તમાન સ્થિતિને ભયાનક ગણાવતાં કહ્યું કે, અન્ય રાજ્યોની તુલનામાં તમિલનાડુનો કાયદો અને વ્યવસ્થાના ધોરણ નીચો જઈ રહ્યો છે.
અમિત શાહ એ કહ્યું હવે સમય આવી ગયો છે…
તેમણે આગામી 2026 ની વિધાનસભા ચૂંટણીને રાજ્ય માટે એક ટર્નિંગ પોઇન્ટ તરીકે ગણાવી, ભાજપના કાર્યકરોને તમિલનાડુમાં NDA સરકાર સ્થાપિત કરવા હાકલ કરતાં કહ્યું કે, સમય આવી ગયો છે, DMK ની જનવિરોધી, રાષ્ટ્રવિરોધી સરકારને સત્તામાંથી બહાર કાઢી નાખવી જોઈએ.
અલગતાવાદી, વિભાજનકારી વિચારધારાઓનો નાશ થવો જોઇએ એવી હાકલ કરતાં તેમણે કહ્યું કે, ચૂંટણીમાં બધી રાષ્ટ્રવિરોધી શક્તિઓનો અહીં નાશ થવો જ જોઈએ. NDA સરકાર જે અમે અહીં સ્થાપિત કરીશું તે એક નવી શરૂઆત હશે.