CAA : કેન્દ્ર સરકારે નાગરિકતા (સંશોધન) કાયદો-સીએએ લાગુ કર્યો છે. સોમવારે બહાર પાડવામાં આવેલા જાહેરનામા પછી રાજકીય નિવેદનબાજી ચાલુ છે. ભાજપ સીએએને મોદી સરકારનું ઐતિહાસિક પગલું ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ તેને ગેરકાયદેસર ગણાવી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ હાલ તેલંગાણામાં છે. અહીં સિકંદરાબાદમાં આયોજિત સોશિયલ મીડિયા વોરિયર્સ મીટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે અમે જે કહ્યું હતું તે અમે કર્યું છે.
અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે સિકંદરાબાદમાં સોશિયલ મીડિયા વોરિયર્સ મીટમાં સંબોધન દરમિયાન કહ્યું કે અમે કહ્યું હતું કે અમે સીએએ લાવીશું. કોંગ્રેસ પાર્ટી તેનો વિરોધ કરતી રહી. આપણા બંધારણના ઘડવૈયાઓએ વચન આપ્યું હતું કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના શરણાર્થીઓ કે જેઓ જુલમનો સામનો કરી રહ્યા છે તેમને નાગરિકત્વ આપવામાં આવશે. પરંતુ તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિના કારણે કોંગ્રેસ તેનો વિરોધ કરતી હતી. હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ અને અન્યને નાગરિકતા આપીને નરેન્દ્ર મોદીજીએ સન્માન આપ્યું છે.
આ પણ વાંચો – ભાજપ ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી બદલી ચુકી છે, સમજો કેટલો સફળ રહ્યો છે આ પ્રયોગ
અમે દરેક વચન પૂરું કર્યું છે – અમિત શાહ
રામ મંદિર, કલમ 370નો ઉલ્લેખ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારા મેનિફેસ્ટોના પહેલા પાના પર શું હતું? અમે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું. 500 વર્ષ સુધી દેશભરના શ્રદ્ધાળુ ઈચ્છતા હતા કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને અને રામલલા પૂરા સન્માન સાથે ત્યાં બિરાજમાન થાય. જ્યાં સુધી રામ મંદિરનો સવાલ છે તો કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી અટકાના, ભટકાના, લટકાનામાં લાગી હતી. ‘વોટબેંક’ની લાલચમાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો પણ બહિષ્કાર કર્યો હતો.
ગૃહમંત્રીએ આગળ કહ્યું કે આ 10 વર્ષોમાં પીએમ નરેન્દ્ર મોદીએ ‘આયા રામ, ગયા રામ’ની રાજનીતિ ખતમ કરીને દેશને રાજકીય સ્થિરતા આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ 10 વર્ષ સુધી પૂર્ણ બહુમતવાળી સરકાર આપી. પીએમ મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે. બીઆરએસ અને કોંગ્રેસ પર લાખો-કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. પરંતુ પીએમ પર 25 પૈસા પણ ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી.





