Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના બીજાપુરના કર્રેગુટ્ટા પહાડીમાં ફોર્સને મળેલી સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે ટ્વિટ કરીને લખ્યું કે નક્સલમુક્ત ભારતના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરતા સુરક્ષા દળોએ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કર્રેગુટ્ટા પહાડી (KGH) પર 31 કુખ્યાત નક્સલીઓને ઠાર કર્યા છે.
તેમણે કહ્યું કે જે પહાડ પર એક સમયે લાલ આતંકનું રાજ હતું, ત્યાં આજે શાનથી ત્રિરંગો લહેરાઇ રહ્યો છે. કર્રેગુટ્ટા પહાડી એ PLGA બટાલિયન 1, DKSZC, TSC અને CRC જેવા મોટા નક્સલ સંગઠનોનું Unified Headquarter હતું, જ્યાં નક્સલ ટ્રેનિંગની સાથે-સાથે રણનીતિ અને હથિયાર પણ બનાવવામાં આવતા હતા.
આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું
અમિત શાહે આગળ કહ્યું કે આ સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન આપણા સુરક્ષા દળો દ્વારા માત્ર 21 દિવસમાં પૂર્ણ કર્યું છે અને મને ખૂબ જ આનંદ છે કે આ ઓપરેશનમાં સુરક્ષા દળોમાં એક પણ જાનહાનિ થઈ નથી. ખરાબ હવામાન અને દુર્ગમ પર્વતીય પ્રદેશમાં પણ બહાદુરી અને હિંમતથી નક્સલવાદીઓનો સામનો કરનારા આપણા CRPF, STF અને DRG સૈનિકોને હું અભિનંદન આપું છું. આખા દેશને તમારા પર ગર્વ છે.
આ પણ વાંચો – પાકિસ્તાન સાથે સીઝફાયર પર ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું – ટ્રેડને લઇને કોઇ વાતચીત થઇ નથી
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે નક્સલવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ. હું ફરી એકવાર દેશવાસીઓને ખાતરી આપું છું કે ભારત 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલ મુક્ત થવું નક્કી છે.