અમિત શાહે કહ્યું – હિન્દી કોઇ ભાષાની દુશ્મન ના હોઇ શકે, આપણી ભાષાઓ ભારતને એક કરવા માટે શક્તિશાળી માધ્યમ બને

Amit Shah : અમિત શાહે કહ્યું કે હું પૂરા દિલથી માનું છું કે હિન્દી કોઈ પણ ભારતીય ભાષાની દુશ્મન ન હોઈ શકે. હિન્દી એ બધી ભારતીય ભાષાઓની મિત્ર છે અને હિન્દી અને ભારતીય ભાષાઓ સાથે મળીને આપણા સ્વાભિમાન કાર્યક્રમને તેના અંતિમ ધ્યેય સુધી લઈ જઈ શકે છે

Written by Ashish Goyal
Updated : June 26, 2025 16:51 IST
અમિત શાહે કહ્યું – હિન્દી કોઇ ભાષાની દુશ્મન ના હોઇ શકે, આપણી ભાષાઓ ભારતને એક કરવા માટે શક્તિશાળી માધ્યમ બને
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ (તસવીર: Bhupendrapbjp/X)

Language Row: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કેન્દ્ર અને રાજ્યોમાં ઓફિશિયલ વર્ક માટે ભારતીય ભાષાઓના ઉપયોગ પર ફરીથી ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે હું પૂરા દિલથી માનું છું કે હિન્દી કોઈ પણ ભારતીય ભાષાની દુશ્મન ન હોઈ શકે. હિન્દી એ બધી ભારતીય ભાષાઓની મિત્ર છે અને હિન્દી અને ભારતીય ભાષાઓ સાથે મળીને આપણા સ્વાભિમાન કાર્યક્રમને તેના અંતિમ ધ્યેય સુધી લઈ જઈ શકે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈ પણ ભાષાનો વિરોધ નથી, કોઈ પણ વિદેશી ભાષાનો વિરોધ ન થવો જોઈએ, પરંતુ આગ્રહ પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઈએ. આગ્રહ પોતાની ભાષા બોલવાનો હોવી જોઈએ, આગ્રહ પોતાની ભાષામાં વિચારવાનો હોવો જોઈએ. આપણે ગુલામીની માનસિકતાથી મુક્ત થવું જોઈએ અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાની ભાષા પર ગર્વ નહીં કરે, પોતાની ભાષામાં વાત નહીં કહે ત્યાં સુધી આપણે ગુલામીની માનસિકતાથી મુક્ત થઈ શકીએ નહીં.

આપણી ભાષાઓ ભારતને એક કરવાનું માધ્યમ બનવું જોઈએ: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં, ભાષાનો ઉપયોગ ભારતના ભાગલા પાડવાના સાધન તરીકે કરવામાં આવ્યો છે. તેઓ તેને તોડી શક્યા નહીં, પરંતુ પ્રયત્નો કરવામાં આવ્યા. અમે સુનિશ્ચિત કરીશું કે આપણી ભાષાઓ ભારતને એક કરવા માટે શક્તિશાળી માધ્યમ બને. આ માટે રાજભાષાનો વિભાગ કામ કરશે. મને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં જે પાયો નાખવામાં આવી રહ્યો છે, તે 2047માં એક મહાન ભારતનું નિર્માણ થશે અને મહાન ભારત બનાવવાના રસ્તા પર આપણે ભારતીય ભાષાનો વિકાસ કરીશું, તેમને સમૃદ્ધ બનાવીશું, તેમની ઉપયોગિતામાં વધારો કરીશું.

આ પણ વાંચો – ઇમરજન્સીના 50 વર્ષ : બે મિનિટનું મૌન, મોદી સરકારની કેબિનેટ બેઠકમાં શું-શું થયું?

અમિત શાહે કહ્યું કે માત્ર કેન્દ્ર સરકારમાં જ નહીં પરંતુ રાજ્ય સરકારમાં પણ સરકારી કામોમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ વધુને વધુ થવો જોઈએ. આ માટે અમે રાજ્યોનો પણ સંપર્ક કરીશું, તેમને સમજાવવાનો પ્રયાસ કરીશું અને સમજાવીશું.

ભારતીય ભાષાઓનું ભવિષ્ય ઉજ્જવળ છે: અમિત શાહ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જેઇઇ, નીટ, સીયુઇટીના પેપર હવે 13 ભાષાઓમાં લેવામાં આવી રહ્યા છે. અગાઉ સીએપીએફ કોન્સ્ટેબલની ભરતી માટે તમે માત્ર અંગ્રેજી કે હિન્દીમાં જ અરજી કરી શકતા હતા. અમે તેને ફ્લેક્સિબલ બનાવ્યું છે અને 13 ભાષાઓમાં પરીક્ષાઓની મંજૂરી આપી છે અને આજે મને એ કહેતા આનંદ થાય છે કે 95 ટકા ઉમેદવારો તેમની માતૃભાષામાં કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છે. આ બતાવે છે કે આગામી દિવસોમાં ભારતીય ભાષાઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે.

અમને કોઈ ભાષાથી નફરત નથી: ઉદ્ધવ ઠાકરે

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ભાષાના આધારે લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે અને શાસક પક્ષ પર મહારાષ્ટ્રમાં ભાષાની કટોકટી લાદવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્રના પૂર્વ સીએમે કહ્યું કે તેમનો પક્ષ હિન્દીની વિરુદ્ધ નથી, પરંતુ મુખ્યત્વે મરાઠી ભાષી રાજ્યમાં તેને લાદવાની વિરુદ્ધ છે.

તેમણે કહ્યું કે અમે કોઈ પણ ભાષાનો વિરોધ કે નફરત કરતા નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે કોઈ પણ ભાષા લાગુ કરવાની મંજૂરી આપીશું. ભાજપ ભાષાના આધારે લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપનો છુપો એજન્ડા હિન્દીને લાગુ કરવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ