અનંત અંબાણીનું વનતારા : 3000 એકરમાં ફેલાયેલું છે પ્રાણીઓનું આશ્રય સ્થાન, જાણો એલિફેન્ટ સેન્ટરની ખાસિયતો

Anant Ambani Vantara Elephant camp : અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારા હાથી, વાઘથી લઇ લુપ્ત થતા પ્રાણીઓનું આશ્રય સ્થાન બન્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં 200 થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને બચાવવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
Updated : February 29, 2024 21:50 IST
અનંત અંબાણીનું વનતારા : 3000 એકરમાં ફેલાયેલું છે પ્રાણીઓનું આશ્રય સ્થાન, જાણો એલિફેન્ટ સેન્ટરની ખાસિયતો
Anant Ambani Vantara : અનંત અંબાણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર છે. વનતારા અનંત અંબાણીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. (Photo - Social Media)

Anant Ambani Vantara Elephant camp : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશનનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તેમના ડ્રિમ પ્રોજેક્ટ વનતારા વિશે ઘોષણા કરવાની સાથે સાથે તેના વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.

3000 એકટરમાં ફેલાયેલા આ જંગલ વિસ્તારમાં હાથી, દીપડા, સહિત દેશ અને વિદેશમાંથી લવાયેલા પશુ- પ્રાણીઓની સારસંભાળ – માવજત કરવામાં આવી રહી છે. અહીં 2000થી વધુ હાથીઓનું ઘર અને એલિફેન્ટ હોસ્પિટલ છે, જે દુનિયામાં હાથીને સમર્પિત સૌથી મોટી હોસ્પિટલ છે. વનતારા પ્રોજેક્ટ શું છે, તેની કામગીરી અને ખાસિયતો વિશે વિગતવાર જાણો

વનતારા : 3000 એકરમાં ફેલાયેલું છે પ્રાણીઓનું ખાસ ઘર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની ઘોષણા કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3000-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે.

વનતારા શું કામગીરી કરે છે?

વનતારા અત્યાધુનિક હેલ્થકેર, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

anant ambani | anant ambani vantara | Mukesh ambani son anant ambani | vantara jamnagar | vantara jamnagar photo | vantara animals resue | vantara elephant hospital | vantara animals treatment
Vantara : વનતારામાં હાથી ઉપરાંત વાઘ, દીપડા, મગર, રિંછ સહિત વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. (Photo – Social Media)

વનતારા : 200થી વધુ હાથીઓ અને હજારો પશુ-પ્રાણીઓના જીવ બચાવ્યા

વનતારા એ પશુ- પ્રાણીઓનો જીવ બચાવવાની કામગીરી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પહેલ હેઠળ 200 થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને જોખમીમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે.

તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરીટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.

વનતારાનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્તપ્રાય પ્રજાતિનું રક્ષણ કરવું : અનંત અંબાણી

વનતારા વિશે જાણકારી આપતા અનંત અંબાણીએ જણાવ્યું કે, “ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીરરીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વનતારાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે.

ભારતના તમામ 150-થી વધુ પ્રાણીસંગ્રહાલયોને સુસજ્જ કરાશે

અનંત અંબાણીએ ઉમેર્યું કે, વનતારાનો હેતુ ભારતના તમામ 150-થી વધુ પ્રાણીસંગ્રહાલયોને તાલીમ, ક્ષમતાનિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે અને દર્શાવે કે કેવી રીતે ઉદ્દાત વિચારો ધરાવતી સંસ્થા વૈશ્વિક જૈવવિવિધતા (ગ્લોબલ બાયોડાઇવર્સિટી) સંરક્ષણ પહેલને મદદ કરી શકે છે. વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે.

વનતારાનું એલિફન્ટ સેન્ટર, 2000થી વધુ હાથીઓનું ઘર

વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર 3000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું છે જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.

anant ambani | anant ambani vantara | Mukesh ambani son anant ambani | vantara jamnagar | vantara jamnagar photo | vantara animals resue | vantara elephant hospital | vantara animals treatment
Anant Ambani Vantara : અનંત અંબાણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર છે. વનતારા અનંત અંબાણીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. (Photo – Social Media)

વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ

વનતારામાં એલિફેન્ટ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે (તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે) અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે.

વનતારામાં હાથીઓ માટે 14000 ચોરસ ફૂટથી મોટું વિશેષ રસોડું

આ સેન્ટર પાસે 14000 ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે જે દરેક હાથી માટે તેમના ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરવા માટે સમર્પિત છે.

આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદ તકનીકો પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.

પ્રાણીઓ માટે રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર

anant ambani | anant ambani vantara | Mukesh ambani son anant ambani | vantara jamnagar | vantara jamnagar photo | vantara animals resue | vantara elephant hospital | vantara animals treatment
Vantara Animals Hospital : જામનગર સ્થિત વનતારામાં પ્રાણીઓની સારવાર કરવા માટે ખાસ હોસ્પિટલ પણ છે. (Photo – Social Media)

વનતારામાં સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે 3000 એકર પરિસરમાં 650 એકરથી વધુનું એક રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્ક્લોઝર્સ અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે.

200 દીપડા, 1000થી વધુ મગરો બચાવ્યા

આશરે 2100થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ સાથે રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ-જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ 200 દીપડાઓને બચાવ્યા છે. આ સેન્ટર દ્વારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી 1000થી વધુ મગરોને બચાવાયા છે. આ સેન્ટર આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી, સ્લોવાકિયામાં અસાધ્ય રોગના ભય હેઠળ પીડાતા, મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે.

આ પણ વાંચો | અનંત અંબાણીનું વજન કેમ વધ્યુ? નીતા અંબાણીએ જણાવ્યું કારણ

વનતારાની ખાસિયતો

  • વન તારા સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ,
  • સર્જરીઓ અને બ્લડ પ્લાઝ્મા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે.
  • 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે.
  • આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુનઃસ્થાપિત કરી શકાય તેટલી સંખ્ય ઊભી કરવાનો છે જેનાથી તેમને લુપ્ત થતાં બચાવી શકાય.
  • આજે વન તારા ઇકોસિસ્ટમે 200 હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને 1200થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ