Indian youth trapped video in Russia : રશિયામાં, ઘણા ભારતીયોને છેતરીને યુક્રેન (યુક્રેન યુદ્ધ) વિરુદ્ધ યુદ્ધ માટે બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. હવે આવો જ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા વર્ષ પર રશિયાની મુલાકાતે ગયેલા યુવાનોને છેતરપિંડીથી સેનામાં ભરતી કરીને યુદ્ધ લડવા માટે યુક્રેન મોકલવામાં આવ્યા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આ ભારતીય યુવાનો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને તેમને ભારત પરત આવવામાં મદદ કરવા અપીલ કરી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સાત લોકો એક રૂમની અંદર સેનાનો યુનિફોર્મ પહેરેલા જોઈ શકાય છે. બંધ બારીઓવાળા રૂમમાં રેકોર્ડ કરાયેલા વિડિયોમાં તેમાંથી છ એક ખૂણામાં ઊભેલા જોવા મળે છે અને એક ત્યાં ફસાયા હોવાની પોતાની કહાની કહી રહ્યો છે. આ વ્યક્તિએ વીડિયોમાં કહ્યું કે, અમે 27 ડિસેમ્બરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રશિયાની મુલાકાતે આવ્યા હતા અને અમે એક એજન્ટને મળ્યા હતા. તેમણે અમને રશિયામાં ઘણા સ્થળોની મુલાકાત લેવામાં મદદ કરી અને અમને બેલારુસની મુલાકાત લેવા પણ કહ્યું. જો કે, અમને ખબર ન હતી કે, બેલારુસ જવા પણ એલગ વિઝાની જરૂર હોય છે
એજન્ટ અમને હાઈવે પર લઈ ગયા
અમે બેલારુસ પણ ગયા, જ્યાં અમે તે એજન્ટને પૈસા આપ્યા, પરંતુ તેણે અમારી પાસે વધુ પૈસા માંગ્યા. જ્યારે અમે તેમની ઈચ્છા મુજબ પૈસા ન આપ્યા ત્યારે અમારી પાસે પૈસા ખતમ થઈ ગયા હોવાથી તેમણે અમને હાઈવે પર ઉતારી દીધા હતા. આ પછી, અમને ત્યાંની પોલીસે પકડી લીધા અને રશિયન સેનાને સોંપી દીધા. તેઓએ અમને ત્રણ-ચાર દિવસ સુધી અજાણ્યા સ્થળે રાખ્યા. પોતાનું દર્દ વ્યક્ત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, રશિયન સેનાએ અમને ડ્રાઈવર અને રસોઈયા બનવા માટે કરાર કરવા દબાણ કર્યું. તેમજ જો અમે તેમ નહી કરીએ તો, અમને 10 વર્ષની જેલની સજાની ધમકી આપવામાં આવી હતી.
અમને બંદૂકનો ઉપયોગ પણ નથી આવડતો, અને યુદ્ધમાં ઉતાર્યા
રશિયન આર્મી દ્વારા કરવામાં આવેલા કોન્ટ્રાક્ટની ભાષા પણ રશિયન ભાષામાં હતી જે અમારી સમજની બહાર હતી. જો કે, અમે તેના પર હસ્તાક્ષર કર્યા. રશિયન સૈન્યએ અમને તાલીમ કેન્દ્રમાં ભરતી કર્યા અને અમને પછીથી જાણવા મળ્યું કે, તેમણે અમારી સાથે દગો કર્યો છે. અમને બધાને તાલીમ આપ્યા પછી, તેઓએ અમને યુક્રેનમાં યુદ્ધના મેદાનમાં છોડી દીધા. ભારતીયોએ કહ્યું કે, અમે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે બિલકુલ તૈયાર નથી. અમે બંદૂકનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા નથી, પરંતુ તે લોકો અમારા પર દબાણ લાવી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, હવે અમે માત્ર આશા રાખીએ છીએ કે, ભારત સરકાર અમારી મદદ કરશે.
ઘણા ભારતીય યુવાન હજુ પણ રશિયામાં ફસાયેલા
અત્યાર સુધી પંજાબ, કર્ણાટક, કાશ્મીર, ગુજરાત અને તેલંગાણાના ઘણા લોકો રશિયામાં યુક્રેન સાથેની લડાઈમાં ખરાબ રીતે ફસાયેલા છે. તેમાંના ઘણા એવા લોકો હતા, જેઓ વધુ સારી નોકરીની શોધમાં વધુ પૈસા ચૂકવી છેતરપિંડી કરીને રશિયા આવ્યા હતા. આ લોકોના પરિવારજનોએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી અને કહ્યું કે, આ બધા સાથે છેતરપિંડી થઈ છે. તેમને કહેવામાં આવ્યું હતું કે, રશિયાની સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓ છે અને તેને ભરવામાં આવી રહી છે. જો કે, બધું જ તેનાથી વિપરીત થઈ રહ્યું છે. તેમને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – નોકરી માટે ગયા હતા મોસ્કો, યુક્રેન સામે જંગ કરવા રશિયાએ મેદાનમાં ઉતાર્યા, ભારતીય યુવાનોની ડરામણી કહાની
ભારત વિદેશ મંત્રાલય મોસ્કોના સંપર્કમાં છે
ગયા અઠવાડિયે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયન આર્મીમાં કર્મચારી તરીકે કામ કરતા લગભગ 20 ભારતીયોએ અધિકારીઓનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે, અમે શક્ય તેટલી વહેલી તકે તે લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે મોસ્કો સાથે સતત સંપર્કમાં છીએ. અમે તમામ ફસાયેલા લોકોને કોઈપણ સંજોગોમાં યુદ્ધના મેદાનમાં ન જવા માટે કહ્યું છે.





