India Pakistan News : ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાન સાથેના તણાવ અંગે ત્રણેય સેનાની એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અમે 100 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદી ઠેકાણાને ઉડાવી દેવાના પુરાવા પણ બતાવ્યા. સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યુસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે.
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે પહેલગામમાં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ ઓપરેશન સિંદૂર યોજના બનાવી હતી. આ ઓપરેશનનો સૈન્ય ઉદ્દેશ્ય હતો – આતંકવાદીઓ અને તેમના સ્થળોનો નાશ કરવાનો. અમે સરહદ પાર આતંકવાદી કેમ્પોની ખાતરીપૂર્વક ઓળખ કરી. પરંતુ ત્યાં ઘણા સ્થળો પહેલાથી જ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા, પરંતુ અમને આવા 9 સ્થળો મળ્યાં જેને અમારી એજન્સીઓએ સક્રિય જાહેર કર્યા હતા.
અમારા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
તેમાંથી કેટલાક સ્થળો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં હતા અને કેટલાક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા – જેમ કે મુરીદકે, જે કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા છે. અમારા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદાસિર અહેમદ જેવા હાઇ વેલ્યૂ ટાર્ગેટનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ IC 814 હાઇજેકિંગ અને પુલવામા હુમલામાં સામેલ હતા.
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે મેં પહેલાથી જ નિયંત્રણ રેખા (LoC) પર 35-40 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાની વાત કરી હતી. જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારે પાકિસ્તાની સેનાએ ભારતીય સેના અને ભારતીય સશસ્ત્ર દળોના માળખાને પણ નિશાન બનાવ્યું. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય આતંકવાદી ઠેકાણાઓ પર હતું અને પછી જ્યારે પાકિસ્તાને અમારા માળખા પર હવાઈ ઘૂસણખોરી અને હવાઈ કાર્યવાહી શરૂ કરી, ત્યારે અમે ભારે શસ્ત્રોનો ઉપયોગ કર્યો, અને તે સમય દરમિયાન ચોક્કસપણે જાનહાનિ થઈ હશે, પરંતુ તેમની સંખ્યા હજુ પણ આકારણી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે 3 દિવસ સુધી જે ચાલ્યું તે કોઈ યુદ્ધથી ઓછું ન હતું. અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં આપણા 5 સૈનિકો શહીદ થયા છે.
વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે કહ્યું – કરાચી પણ અમારા ટાર્ગેટ પર હતું
ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO), વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પછી ભારતીય નૌકાદળના કેરિયર બેટલ ગ્રુપ, સતહ સાથે લડનારી યુનિટ્સ, સબમરીન અને નૌકાદળ વિમાનન સંસાધન યુદ્ધની પુરી તૈયારી સાથે સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અમે અરબી સમુદ્રમાં અનેક શસ્ત્ર પરીક્ષણો દરમિયાન અમારી વ્યૂહરચના અને કાર્યકારી પ્રક્રિયાઓનું પરીક્ષણ અને સુધારો કર્યો. ભારતીય નૌકાદળની શક્તિશાળી હાજરીને કારણે પાકિસ્તાનને તેની નૌકાદળ અને વાયુસેનાને બંદરગાહ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મર્યાદિત રાખવાની ફરજ પડી, જેના પર સતત નજર રાખવામાં આવતી હતી.
વાઇસ એડમિરલ પ્રમોદે કહ્યું કે અમારી જવાબી કાર્યવાહી સંયમિત, સંતુલિત અને જવાબદાર રહી છે. અમે એવા સ્થળોને નિશાન બનાવવાની તૈયારી કરી હતી જ્યાં જરૂર પડ્યે હુમલો થઈ શકે છે. જેમાં કરાચીનો પણ સમાવેશ થતો હતો. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય નૌકાદળ હજુ પણ સંપૂર્ણ તાકાત સાથે સમુદ્રમાં હાજર છે અને કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે.
ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાન સાથેના તણાવ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ સંમેલનની શરૂઆત શિવ તાંડવના ધૂનથી થઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DG એર ઓપ્સ) એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદ હાજર રહ્યા હતા.