Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના સરહદી પૂંચ જિલ્લામાં એલઓસી પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે. જ્યારે 3 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત બાલનોઈ વિસ્તારમાં થયો હતો જ્યારે આર્મીનું વાહન ખીણમાં પડી ગયું હતું.
સૂચના મળતા જ સેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ઇજાગ્રસ્ત સૈનિકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં 8થી 9 સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા છે અને બીજા જવાનોની સારવાર કરવામાં આવી રહી છે.
વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
નીલમ મુખ્ય મથકથી બાલનોઇ ઘોરા પોસ્ટ તરફ જઇ રહેલા 11 એમએલઆઈની સૈન્ય ગાડી ઘોરા પોસ્ટ પર પહોંચતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું.
ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે પોતાના સત્તાવાર ટ્વિટર પર લખ્યું કે જમ્મુ-કાશ્મીર પુંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડતાં પાંચ જવાનો શહીદ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.





