Lok Sabha Elections 2024 : દેશમાં લોકસભા ચૂંટણી 2024 તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. જોકે આ પહેલા જ ચૂંટણી પંચના કમિશ્નર અરુણ ગોયલના રાજીનામા બાદ મોટો હંગામો થયો છે. વિરોધ પક્ષો આ અંગે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન અરુણ ગોયલ બાદ હવે ચૂંટણી કમિશનરનું પદ કોણ સંભાળશે તે મોટો સવાલ છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં 15 માર્ચે મહત્વની બેઠક યોજાશે.
ચૂંટણી કમિશનરની બંને જગ્યાઓ ખાલી
નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 15 માર્ચે બેઠક યોજાશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ચૂંટણી પંચમાં 2 ચૂંટણી કમિશનર અને એક ચીફ કમિશનર સહિત 3 લોકોનો સમાવેશ થાય છે, પરંતુ પડકારજનક સ્થિતિ એ છે કે ચૂંટણી કમિશનરની બંને જગ્યાઓ ખાલી છે, તેથી ચૂંટણી કમિશનરોની નિમણૂક જરૂરી બની છે.
અરુણ ગોયલના રાજીનામાના કારણો સામે આવ્યા નથી. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોયલે વિવિધ મુદ્દાઓ પરના મતભેદોને કારણે પદ છોડ્યું છે. તેમની અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર વચ્ચે મતભેદો હતા. અરુણ ગોયલે રાજીનામું આપતી વખતે અંગત કારણોનો હવાલો આપ્યો છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ આઝમગઢમાં વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું – આજે અહીં માફિયા નહીં કાનૂનનું રાજ છે
ચૂંટણી કમિશનરની નિમણૂક કેવી રીતે થાય છે?
અરુણ ગોયલ વિશે સતત વિરોધાભાસી સવાલો ઉઠી રહ્યા છે અને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ગયા વર્ષે સરકારે જેમાં ટોચના ચૂંટણી અધિકારીઓની નિમણૂકમાં વિવાદાસ્પદ ફેરફારો કરતા મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ને પસંદગી પ્રક્રિયામાંથી બહાર કરી દીધા હતા. હવે કાયદામંત્રી અને 2 કેન્દ્રીય સચિવોની બનેલી સર્ચ કમિટી કમિશનર માટે 5 નામો પસંદ કરશે. ત્યાર બાદ વડાપ્રધાનની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ અંતિમ ઉમેદવારની પસંદગી કરશે. આ પેનલમાં વડા પ્રધાન દ્વારા નિયુક્ત કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષી નેતાનો સમાવેશ થાય છે.