Arvind Kejriwal Bail On Delhi Liquor Excise Scam: અરવિંદ કેજરીવાલ લિકર કૌભાંડ કેસમાં ઘણા મહિનાઓ બાદ જામીન પર જેલ માંથી બહાર આવ્યા છે. કથિત લિકર કૌભાંડ કેસમાં સતત મુશ્કેલીઓનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીને શુક્રવારે મોટી રાહત મળી જ્યારે સુપ્રીમ કોર્ટે તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્ત કર્યા. છેલ્લા કેટલાક મહિનામાં આપ પાર્ટીના 3 મોટા નેતા – પૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને પાર્ટીના સંદેશાવ્યવહાર બાબતોના ભૂતપૂર્વ પ્રભારી વિજય નાયરને પણ કથિત લિકર કૌભાંડ કેસમાં અદાલતો દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપના ઇશારે તપાસ એજન્સીઓએ તેમના નેતાઓને ફસાવ્યા છે અને આ સમગ્ર કેસ બોગસ છે. જ્યારે ભાજપનું કહેવું છે કે કેજરીવાલ અને અન્ય આરોપી નેતાઓએ કૌભાંડ કર્યું છે અને તેથી જ તેમને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે છે.
આવી સ્થિતિમાં, દિલ્હીનું આ કથિત લિકર કૌભાંડ શું છે તે સમજવું અને જાણવું મહત્વપૂર્ણ છે? ચાલો વિગતવાર જાણીયે
કેજરીવાલ સરકારે લાગુ કરી એક્સાઈઝ પોલિસી
નવેમ્બર 2021માં અરવિંદ કેજરીવાલ સરકારે વર્ષ 2021-22 માટે નવી એક્સાઈઝ પોલિસી રજૂ કરી હતી. જુલાઈ 2022 માં, ઉપરાજ્યપાલ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ સીબીઆઈ ને આ નીતિ ઘડવા અને અમલીકરણમાં અનિયમિતતાના આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
ત્યારબાદ સીબીઆઈ એ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 15 લોકો સામે કેસ નોંધ્યો હતો. તે દરમિયાન મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઇના દરોડા પડ્યા હતા, જેને લઇને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો હતો.
કેજરીવાલ સરકારે લિકર પોલિસી રદ કરી
એક્સાઈઝ પોલિસીને લઈને વિવાદ વધ્યો તો સપ્ટેમ્બર 2022માં દિલ્હી સરકારે એક્સાઈઝ કે લિકર પોલિસીને રદ્દ કરી દીધી હતી. પછી ધરપકડો શરૂ થઈ. 14 નવેમ્બર, 2022 ના રોજ, ઇડીએ વિજય નાયર અને હૈદરાબાદના ઉદ્યોગપતિ અભિષેક બોઇનપલ્લીની ધરપકડ કરી હતી. 26 ફેબ્રુઆરી 2023 ના રોજ સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયાની 8 કલાક સુધી પૂછપરછ કરાઇ હતી અને તપાસ એજન્સી દ્વારા તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા.
માર્ચમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ
ઇડીએ 21માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ જારી કર્યું હતું. આ પછી, તપાસ એજન્સીએ એક પછી એક સમન્સ જારી કર્યા અને ઓક્ટોબર 2023 થી માર્ચ 2024 દરમિયાન તપાસ એજન્સીએ ઇડી કેજરીવાલને 9 સમન્સ જારી કર્યા હતા. 21 માર્ચ 2024ના રોજ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.
આ તે સમય હતો જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી અને વિપક્ષી ભારત ગઠબંધને આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓને ડરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા, પ્રચાર કર્યો
10 મે 2024ના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. આ પછી કેજરીવાલે ચૂંટણી મેદાનમાં ઉતરીને આમ આદમી પાર્ટી અને ભારત ગઠબંધનના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કર્યો હતો. જામીનની શરતો મુજબ કેજરીવાલ 2 જૂને તિહાર જેલમાં પરત આવ્યા હતા. 20 જૂને ટ્રાયલ કોર્ટે તેમને નિયમિત જામીન આપ્યા હતા, પરંતુ ઈડીએ ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
હાઈકોર્ટે 25 જૂને અરવિંદ કેજરીવાલ ના જામીન પર રોક લગાવી દીધી હતી. તેની સામે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તે જ દિવસે સીબીઆઇએ અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરી હતી.
આપ પાર્ટીના નેતાઓ સામે શું આરોપ છે?
મનીષ સિસોદિયા પર એક્સાઇઝ પોલિસી બદલવાનો અને દારૂનો વેપાર કરતા લાઇસન્સ ધારકોને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. ઇડીએ મનીષ સિસોદિયા પર મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અને તેમના પર પીએમએલએ એક્ટ લાદયો હતો. મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે 9 ઓગસ્ટ 2024ના રોજ જામીન આપ્યા હતા.
સંજય સિંહ પર 2 કરોડ લેવાનો આરોપ
ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે સિંઘ દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં મુખ્ય કાવતરાખોર હતા અને તેમને આરોપીમાંથી સાક્ષી બનેલા દિનેશ અરોરા પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ મળી હતી. સંજય સિંહની 4 ઓક્ટોબર 2023 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આ વર્ષે એપ્રિલમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
કવિતા ની ઇડી, સી.બી.આઈ. દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
ઇડીએ આરોપ લગાવ્યો હતો કે બીઆરએસના ધારાસભ્ય અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાએ સાઉથ ગ્રુપ અને આપના સભ્યો સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સીબીઆઈએ કે કવિતા પર પણ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ કેસ નોંધ્યો હતો. આ વર્ષે માર્ચમાં ઇડી દ્વારા કવિતાની સૌ પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી અને તે પછી સીબીઆઈએ કવિતાની ધરપકડ પણ કરી હતી. આ વર્ષે ઓગસ્ટમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
વિજય નાયર પર આરોપ છે કે તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તરફથી એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કર્યા હતા. ઇડીએ આરોપ લગાવ્યો હતો કે વિજય નાયરને હવાલા ટ્રાન્ઝેક્શન દ્વારા સાઉથ ગ્રુપ પાસેથી 20-30 કરોડ રૂપિયા મળ્યા હતા. ઇડીએ અરુણ પિલ્લઇ પર કે કવિતાની નજીક હોવાનો અને સાઉથ ગ્રુપ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.
સમીર મહેન્દ્રૂ પર ‘આપ’ને લાંચ આપવાનો આરોપ
ઈન્ડોસ્પિરિટ કંપનીના માલિક સમીર મહેન્દ્રૂની પહેલા સીબીઆઈ અને બાદમાં ઈડીએ ધરપકડ કરી હતી. આરોપ છે કે તેણે લાઇસન્સ અને અન્ય લાભો મેળવવાના બદલામાં આપ પાર્ટીને 4.5 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. ઇડીએ તેમની સામે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 9 સપ્ટેમ્બર 2024ના રોજ તેમને જામીન આપ્યા હતા.
અરોરા અને મગુંટા સાક્ષી બન્યા
દિનેશ અરોરા કથિત આબકારી કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી છે જેણે પાછળથી સીબીઆઈ અને ઇડીના સાક્ષી બન્યા હતા. ઇડીએ તેના પર આશરે 35-36 કરોડ રૂપિયાની લાંચની રકમના વ્યવહારોમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
સાઉથ ગ્રૂપના સભ્ય અને વાયએસઆરસીપીના પૂર્વ સાંસદના પુત્ર રાઘવ મગુંટાની ઈડીએ 10 ફેબ્રુઆરી, 2023ના રોજ ધરપકડ કરી હતી. ઇડીએ આરોપ લગાવ્યો છે કે મંગુટા 192.8 કરોડ રૂપિયાના ભંડોળના દુરૂપયોગમાં સામેલ હતી. બાદમાં તેઓ પણ ઈડીના સાક્ષી બની ગયા હતા.
સરથ રેડ્ડીના નિવેદન પર અરવિંદ કેજરીવાલની ધરપકડ
સરથ રેડ્ડી પર આરોપ છે કે તે સાઉથ ગ્રૂપનો ભાગ છે. નવેમ્બર 2022 માં ઇડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને 8 મે 2023 ના રોજ દિલ્હી હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા. જ્યારે તેઓ ઈડીના સાક્ષી બન્યા ત્યારે તેમના નિવેદન પર જ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.