Arvind Kejriwal bail plea Updates : દિલ્હી દારુ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન પર કોઇ નિર્ણય આપ્યો નથી. આ મામલે ફેંસલો સુરક્ષિત રાખી લીધો છે. કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપસર 21 માર્ચે ઈડી દ્વારા તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે.
સુપ્રીમ કોર્ટ 9 મે ના રોજ તેના પર આગામી નિર્ણય કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જેલમાં બંધ કેજરીવાલને વચગાળાના જામીન પર છોડવામાં આવે તો તેમને આધિકારિક કામની કરવાની મંજૂરી નહીં હોય.
કેજરીવાલે ગોવા વિધાનસભા ચૂંટણીમાં લક્ઝરી સુવિધાઓનો ઉપયોગ કર્યો
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપકર દત્તાની બનેલી બેન્ચે આ કેસની સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ કોઇ રાજનીતિથી પ્રેરિત કેસ નથી. ઇડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે અમને રાજકારણની ચિંતા નથી, અમે પુરાવા અંગે ચિંતિત છીએ જે અમારી પાસે છે.
આ પણ વાંચો – ત્રીજો તબક્કો ભાજપ માટે સૌથી મહત્ત્વનો : ગત ચૂંટણીમાં બુસ્ટર ડોઝ અહીંથી જ મળ્યો હતો, મળી હતી જોરદાર લીડ
ઇડીએ એમ પણ કહ્યું હતું કે પ્રારંભિક તપાસમાં અરવિંદ કેજરીવાલને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. પરંતુ તપાસ દરમિયાન તેમની ભૂમિકા સ્પષ્ટ થઇ ગઇ હતી. ઇડીએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે 2022 ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ 7 સ્ટાર ગ્રાન્ડ હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન તેમના બિલની ચુકવણી ચનપ્રીત સિંહે કરી હતી. જેણે કથિત રીતે આપના પ્રચાર માટે રોકડ રકમ સ્વીકારી હતી.
કોર્ટે કહ્યું કે કેજરીવાલ ચૂંટાયેલા મુખ્યમંત્રી
જોકે કોર્ટે ઈડીથી ઘણા સવાલો પૂછ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી. ધરપકડ બાદ કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ થઇ રહ્યો છે, તેમજ ઇડીએ આ કેસમાં શું અટેચમેન્ટ કર્યું છે? આ સાથે જ કોર્ટે કેજરીવાલ વિશે કહ્યું કે તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તેમના ચૂંટણી પ્રચારમાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરેકને મત આપવાનો અને ચૂંટણી દરમિયાન પ્રચાર કરવાનો અધિકાર છે. આ ચૂંટણીઓ પાંચ વર્ષ પછી યોજાઇ રહી છે. કોઈ 6 મહિનામાં તૈયાર થતો પાક નથી જે વર્ષમાં બે વખત થઇ જાય.
કેજરીવાલ મામલે કોર્ટે એમ પણ કહ્યું કે તેઓ સીએમ છે અને આ ચૂંટણીની મોસમ છે. તેમની સામે એવો કોઇ કેસ નથી કે જેમાં સિદ્ધ થાય કે તે આદતન અપરાધી છે.
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધી
દિલ્હી દારુ કોભાંડ મામલામાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ન્યાયિક હિરાસત રાઉજ એવન્યૂ કોર્ટે 15 મે સુધી વધારી દીધી છે. કોર્ટે મામલામાં આગળની ચર્ચા માટે 15 મે ની તારીખ નક્કી કરી છે. મનીષ સિસોદીયા હાલ તિહાડ જેલમાં બંધ છે.





