Arvind Kejriwal Case : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી પણ મોટો ઝટકો લાગ્યો છે. હવે તે અઠવાડિયામાં માત્ર બે વાર પોતાના વકીલોને મળી શકશે. તેમણે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માંગણી કરી હતી. તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે તેમની અરજીમાં માંગ કરી હતી કે, પીએમએલએ કેસમાં તેમને અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની તક આપવામાં આવે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
દિલ્હી હાઈકોર્ટમાં પણ ઝટકો, કોર્ટે આપ્યો ઠપકો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. મંગળવારે દિલ્હી હાઈકોર્ટે સીએમ કેજરીવાલની અરજી પર ચુકાદો આપ્યો. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ 25 મિનિટ સુધી પોતાનો નિર્ણય વાંચી સંભળાવ્યો. આ દરમિયાન તેમણે કેજરીવાલને ઘણી વખત સલાહ આપી અને ઘણી વખત ઠપકો પણ આપ્યો.
કેજરીવાલ માત્ર એક સામાન્ય નાગરિક છે – દિલ્હી હાઈકોર્ટ
સૌથી મહત્વની વાત એ છે કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું કે કાયદાની નજરમાં અરવિંદ કેજરીવાલ માત્ર એક સામાન્ય નાગરિક છે. તેમણે કહ્યું કે આ મામલો માત્ર કેજરીવાલની ધરપકડનો નથી પરંતુ એ સમજવું પણ જરૂરી છે કે ધરપકડ અને રિમાન્ડમાં શું તફાવત છે? ન્યાયાધીશે કહ્યું કે કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે.
આરોપી છો, સીએમ હોવાનો લાભ ન આપી શકાય
ચુકાદા દરમિયાન, ન્યાયાધીશે કહ્યું કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આરોપી હોય ત્યારે તરત જ ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવે છે. આ બાબતમાં મુખ્યપ્રધાન હોવાનો લાભ અરવિંદ કેજરીવાલને ન આપી શકાય. ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલની અરજી જામીન માટે નહીં પણ ધરપકડને પડકારવાની છે. આમ, આવી અરજી ગેરકાયદેસર છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે, તેથી તેને ધ્યાનમાં લઈ શકાય નહીં.
અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે
હાઈકોર્ટે કહ્યું કે સીએમ કેજરીવાલ સમગ્ર કાવતરામાં સામેલ હતા અને તેમણે લાંચ પણ માંગી હતી. આવી સ્થિતિમાં, તેમની ધરપકડમાં કાયદાકીય જોગવાઈઓનું કોઈ ઉલ્લંઘન થયું નથી અને ન તો તેમની ધરપકડ કોઈપણ રીતે ગેરકાયદેસર છે. કોર્ટે કહ્યું કે ED પાસે તેની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા છે અને ટ્રાયલ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. હાઈકોર્ટે આ તમામ ટિપ્પણીઓ EDના પુરાવાના આધારે કરી છે. કોર્ટની ટિપ્પણીથી સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ફટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી
ભાજપ પર નિશાન સાધ્યું
દરમિયાન કોર્ટના નિર્ણય બાદ ભાજપે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. ભાજપે કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે કેજરીવાલ દારૂ કૌભાંડમાં સામેલ હતા. બીજેપીએ એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેના કેપ્શનમાં લખ્યું છે, “ભ્રષ્ટાચારના પોસ્ટર બોય અરવિંદ કેજરીવાલ!” EDએ કોર્ટમાં કેજરીવાલને દારૂ કૌભાંડનો કિંગપિન ગણાવ્યો હતો.





