દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજ્યસભા સાંસદ બનશે એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આમ આદમી પાર્ટીએ એમના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને લુધિયાણા પશ્વિમ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હોવાથી આ અટકળો તેજ બની છે. બીજી તરફ પાર્ટી તરફથી આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોરા હાલ પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ સત્તા તો ગુમાવી પણ સાથોસાથ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા હતા. કેજરીવાલની હાર બાદ એ ચર્ચાઓ ઉઠવાનું શરુ થયું હતું કે, કેજરીવાલ કોઇ રીતે સાંસદમાં જઇ શકે છે.
જોકે પાર્ટી તરફથી હજુ આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તમને જણાવીએ કે આમ આદમી પાર્ટીના લુધિયાણા પશ્વિમ બેઠકના ગુરપ્રીત ગોગીનું જાન્યુઆરી માસમાં નિધન થયું હતું ત્યારથી આ બેઠક ખાલી છે. ઉદ્યોગપતિ સંજીવ અરોરા વર્ષ 2022 થી રાજ્યસભા સાંસદ છે.
અરવિંદ કેજરીવાલની રાજ્યસભા સાંસદ બનવાની અટકળો વચ્ચે પંજાબના નાણામંત્રી હરપાલ સીમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હજુ સુધી પાર્ટી સ્તરે આ અંગે કોઇ ચર્ચા થઇ નથી. તેમણે એ પણ કહ્યું કે, વિપક્ષ દ્વારા ધ્યાન ભટકાવા માટે આવો મુદ્દો ઉઠાવ્યો હોઇ શકે છે. વિપક્ષ પાસે બીજો કોઇ મુદ્દો નથી એટલે આવા મુદ્દા ઉઠાવી ગુમરાહ કરવાનું કામ કરે છે.