ત્રણ જિલ્લામાં વસ્તી કરતા આધારકાર્ડ વધુ મળ્યા! આસામ સરકાર ચોંકી, CM હિમંતાએ લીધો મોટો નિર્ણય

Assam Govt Order : આસામમાં ત્રણ મુસ્લિમ બહુલ જિલ્લા ધુબરી, બરપેટા અને મોરીગાંવમાં વસ્તી કરતા આધાર કાર્ડ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો, હવે હિમંતા સરકારે આદેશ આપ્યો કે, તમામ નવા આધાર કાર્ડ અરજદારોએ તેમના રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટિઝન્સનો રસીદ નંબર સબમિટ કરવો પડશે.

Written by Kiran Mehta
September 08, 2024 00:52 IST
ત્રણ જિલ્લામાં વસ્તી કરતા આધારકાર્ડ વધુ મળ્યા! આસામ સરકાર ચોંકી, CM હિમંતાએ લીધો મોટો નિર્ણય
આસામ સરકાર ઓર્ડર આધાર કાર્ડ વિષય

Assam Govt Order | આસામ સરકારનો આદેશ : આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શનિવારે જાહેરાત કરી હતી કે, હવે તમામ નવા આધાર કાર્ડ અરજદારોએ તેમના રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટિઝન્સનો રસીદ નંબર સબમિટ કરવો પડશે. તેમણે કહ્યું કે, આ આસામ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનનો એક ભાગ છે. આટલું જ નહીં મુખ્યમંત્રીએ ધુબરી, બરપેટા અને મોરીગાંવના ઉદાહરણ પણ આપ્યા. તેમણે કહ્યું કે, અહીં વસ્તી કરતા આધાર કાર્ડ વધુ છે.

સીએમ શર્માએ કહ્યું કે, આ ત્રણ મુસ્લિમ બહુલ જિલ્લા ધુબરી, બરપેટા અને મોરીગાંવમાં આધાર કાર્ડ આડેધડ બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આ જિલ્લાઓમાં શંકાસ્પદ વિદેશીઓએ પણ આધાર કાર્ડ લીધા છે. સરમાએ એમ પણ કહ્યું કે, આ કારણોસર રાજ્ય સરકારે આધાર કાર્ડ જાહેર કરવા માટે SOP જાહેર કરવાનો નિર્ણય લીધો છે. હવે NRC રસીદ નંબર પણ આપવો પડશે. વર્ષ 2015 માં અરજી કરતી વખતે આ આપવામાં આવ્યું હતું.

કેટલા લાખ લોકોએ અરજી કરી

NRC અપડેટ કરવાની પ્રક્રિયા 2019 થી અટવાયેલી છે. તેની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી. 24 માર્ચ, 1971 પહેલા કોઈ અરજદાર રાજ્યમાં દાખલ થયો હતો કે કેમ, તે નક્કી કરવા માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ તારીખ પહેલાં આસામમાં પ્રવેશેલા તમામ લોકોને NRC માં સામેલ કરીને નાગરિક તરીકે ઓળખવામાં આવશે. હવે વાત કરીએ જે લોકોને NRC ની બહાર રાખવામાં આવ્યા હતા, તેમને રાજ્યની ફોરેનર્સ ટ્રિબ્યુનલ સિસ્ટમમાં કેસનો સામનો કરવો પડ્યો હતો.

આ પ્રક્રિયા માટે માર્ચથી ઓગસ્ટ 2015 વચ્ચે અરજી કરવામાં આવી હતી અને 3,30,27,661 લોકોએ અરજી કરી હતી. ઓગસ્ટ 2019 માં છેલ્લી એનઆરસીમાં 19 લાખ અરજદારોને બાકાત રાખવામાં આવ્યા હતા. જો કે, તે NRC હજુ બહાર પાડવામાં આવ્યું નથી. સરમાએ કહ્યું કે, NRC માટે અરજી કરનારા 3.3 કરોડ લોકોમાં સામેલ ન હોય તેવા લોકોને આધાર કાર્ડ આપવામાં આવશે નહીં.

ચાના બગીચા સમુદાયના લોકોને થોડી રાહત મળશે

આસામના મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, NRC માં કોઈ વ્યક્તિનું નામ સામેલ છે કે નહીં તે સંપૂર્ણપણે અલગ બાબત છે, પરંતુ તે અરજદાર હોવો જોઈએ. જો તમે અરજી ન કરી હોય તો તેનો અર્થ એ છે કે, તમે આસામમાં જ નહોતા. આ પછી, શરૂઆતમાં એવું માની શકાય છે કે, વ્યક્તિ 2014 પછી જ આસામ આવ્યો હતો.

આ પણ વાંચો –

તેમણે કહ્યું કે, આસામમાં ઓક્ટોબર મહિનાથી આધાર કાર્ડ મેળવવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. એટલું જ નહીં, સરમાએ કહ્યું કે, ચાના બગીચા સમુદાયના લોકોને આમાં થોડી છૂટછાટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે, રાજ્ય સરકાર તેના ઘણા મોટા હિસ્સાને આધાર કાર્ડ આપી શકી નથી. સરમાએ કહ્યું કે, આધાર કાર્ડ જાહેર કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે, પરંતુ તેમણે આસામ સરકારને પણ થોડી સત્તા આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ