Haryana, Jammu Kashmir Election Result 2024 : હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થઇ ગયા છે. હરિયાણામાં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે. 90 વિધાનસભા સીટોમાંથી ભાજપે 48 સીટો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે 37 સીટ પર જીત મેળવી છે. 2 બેઠક આઇએનએલડી અને 3 બેઠક પર અપક્ષ ઉમદવારે જીત નોંધાવી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે. જમ્મુ કાશ્મીરમાં એનસી-કોંગ્રેસ ગઠબંધનને 48 સીટો પર જીત મેળવી છે. ભાજપે 42 સીટો પર વિજય મેળવ્યો છે. આ સિવાય પીડીપીને 3, જેપીસીને 1 અને અને અન્યને 7 સીટો મળી છે.
પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસ ખરા અર્થમાં પરજીવી પાર્ટી બની ગઈ
હરિયાણાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ પીએમ મોદી દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ હરિયાણામાં જીતને લોકતંત્રની જીત પણ ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હરિયાણામાં ભાજપને માત્ર વધુ સીટો જ નથી મળી, પરંતુ તેના વોટ પણ વધ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હરિયાણાના લોકોએ તેમની પાર્ટીને ઘણા મત આપ્યા છે અને આ જનાદેશનો પડઘો દૂર સુધી જશે.
પીએમ મોદીએ કહ્યું કે જે કોઈપણ રાજ્યમાં એક વખત ભાજપની સરકાર બની જાય છે, પછી ત્યાંની જનતા તેમને લાંબા સમય સુધી સમર્થન આપે છે. બીજી તરફ કોંગ્રેસની ક્યારે કોઇ સરકાર પરત ફરી હોય તે યાદ નથી. તેમને જનતાએ બીજી ટર્મ આપી ન હતી.