Assembly Elections Schedule Updates : જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ ફેઝમાં ચૂંટણી યોજાશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ ફેઝ, 25 સપ્ટેમ્બરે બીજા ફેઝમાં અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે હરિયાણામાં એક જ તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. બન્ને રાજ્યોમાં 4 ઓક્ટોબરે મત ગણતરી થશે.
ચૂંટણી પંચે જાણકારી આપી છે કે જમ્મુ કાશ્મીરમાં 11 હજારથી વધારે પોલિંગ સ્ટેશન આ વખતે રાખવામાં આવ્યા છે. મોડલ પીએસ પણ રાખવામાં આવ્યા છે. પોલિંગ સ્ટેશન પર દરેક પ્રકારની સુવિધા રાખવાનું આશ્વાસન આપ્યું છે. 360ની આસપાસ મોડલ પોલિંગ સ્ટેશન પણ રાખવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું ક હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 73 સામાન્ય, SC-17 અને એસટી – 0 બેઠકો છે. કુલ મતદારોની સંખ્યા 2.01 કરોડ છે, જેમાં પુરૂષ મતદારોની સંખ્યા છે 1.06 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 95 લાખ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા છે. જેમાંથી 74 સામાન્ય, 9 ST અને 7 SC બેઠકો છે. કુલ મતદારોની સંખ્યા 87.09 લાખ છે. જેમાં 44.46 લાખ પુરૂષો અને 42.62 લાખ મહિલા મતદારો છે. જમ્મુ-કાશ્મીરમાં યુવા મતદારોની સંખ્યા 20 લાખ છે.
આ પણ વાંચો – યુનિફોર્મને બદલે ‘સેક્યુલર સિવિલ કોડ’ શા માટે? માત્ર એક શબ્દથી પીએમ મોદીના ‘ચક્રવ્યુહ’માં ફસાઈ જશે વિપક્ષ
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની સ્થિતિ
જમ્મુ અને કાશ્મીરમાં કુલ બેઠકો 114 કરી દેવામાં આવી છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની 24 બેઠકોનો સમાવેશ થાય છે. જો આ 24 બેઠકો દૂર કરવામાં આવે તો 90 વિધાનસભા બેઠકો થાય છે. અગાઉ આ આંકડો 83 હતો, તેથી કુલ સાત બેઠકો વધી છે. જ્યાં જમ્મુ વિભાગમાં 6 બેઠકો વધી છે, કાશ્મીર વિભાગમાં એક બેઠકનો વધારો થયો છે. જમ્મુ ક્ષેત્રમાં 43 અને કાશ્મીર વિભાગમાં હવે 47 બેઠકો થશે.
જમ્મુ અને કાશ્મીર: છેલ્લી વખતના પરિણામો
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વખત 2014માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પાંચ તબક્કાના મતદાન બાદ પીડીપીને 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપ પણ 25 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. નેશનલ કોન્ફરન્સને 15 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 12 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
હરિયાણા વિધાનસભાની સ્થિતિ
હરિયાણાની વાત કરીએ તો ત્યાં વિધાનસભાની 90 બેઠકો છે, જેમાં ભાજપને 41, કોંગ્રેસને 29 અને જેજેપીને 10 બેઠકો મળી હતી. INLD અને HLPની વાત કરીએ તો તેમને પણ એક-એક સીટ મળી છે. આ સિવાય ગૃહમાં પાંચ અપક્ષ ધારાસભ્યો પણ છે. હરિયાણામાં ગત વખતે ભાજપ અને જેજેપીએ સાથે મળીને સરકાર બનાવી હતી, ત્યારે ભાજપને એકલા હાથે બહુમતી મળી ન હતી.