Attack on Donald Trump : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને ઈરાન સાથે જોડીને એક નવી થિયરી ઉભરી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પર પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં તેમના કાન પાસેથી ગોળી પસાર થતા થોડી વાગી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હવે એક તરફ ચર્ચા ચાલી રહી છે કે, આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે અને આ હુમલો ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીએનએનને ગુપ્તચર સૂત્રો પાસેથી સમાચાર મળ્યા છે કે, ઈરાન પૂર્વ રાષ્ટ્રપતિની હત્યા કરવા માંગે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ગુપ્તચર સૂત્રો પાસેથી શું માહિતી મળી?
સીએનએનના અહેવાલો અનુસાર, યુએસ અધિકારીઓને તાજેતરના અઠવાડિયામાં ઈરાન પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાની ગુપ્ત માહિતી પ્રાપ્ત કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાક્રમના કારણે સિક્રેટ સર્વિસે ટ્રમ્પની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. જો કે, એવા કોઈ સંકેત નથી મળ્યા કે, 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ, જેણે 13 જુલાઈએ પેન્સિલવેનિયા રેલી દરમિયાન ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેનો ઈરાની કાવતરા સાથે કોઈ સંબંધ હતો.
ઈરાને આરોપોને નકારી કાઢ્યા હતા
ઈરાને તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના સ્થાયી મિશનના પ્રવક્તાએ સીએનએનને જણાવ્યું કે, “ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના દ્રષ્ટિકોણથી, ટ્રમ્પ એક ગુનેગાર છે, જેમના પર જનરલ સુલેમાનીની હત્યાનો આદેશ આપવાને લઈ કાયદાની અદાલતમાં કાર્યવાહી થવી જોઈએ અને સજા થવી જોઈએ.” “ઈરાને ટ્રમ્પને ન્યાયના કઠેડામાં લાવવા માટે માટે કાનૂની માર્ગ પસંદ કર્યો છે.”
આ પણ વાંચો – Attack on Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો : ગોળી મારનાર થોમસ મેથ્યુ ક્રૂક્સ કોણ હતો?
સીએનએન અહેવાલો અનુસાર, ઈરાની કાવતરા વિશેની ગુપ્ત માહિતી માનવ સ્ત્રોત દ્વારા પૂરી પાડવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, પેન્સિલવેનિયા રેલી પહેલા સિક્રેટ સર્વિસ અને ટ્રમ્પ કેમ્પેનને ખતરા અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. જવાબમાં, સિક્રેટ સર્વિસે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે સુરક્ષા પણ વધારી દીધી હતી.