Ayodhya Ram Mandir Pay Tax Government: અયોધ્યાના રામ મંદિરથી સરકારને ઘણી કમાણી થઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે છેલ્લા 5 વર્ષમાં સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, 5 ફેબ્રુઆરી 2020 થી 5 ફેબ્રુઆરી 2025 ની વચ્ચે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.
સરકારને જીએસટી પેટે 270 કરોડ રૂપિયા
ચંપત રાયે જણાવ્યું હતું કે, જીએસટી પેટે સરકારને 270 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા જ્યારે અન્ય ટેક્સ હેઠળ 130 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ 130 કરોડ રૂપિયામાં લેબર સેસ, ઇન્શ્યોરન્સ અને ટીડીએસનો સમાવેશ થાય છે.
દર્શનાર્થીઓની સંખ્યામાં 10 ગણો વધારો
ચંપત રાયે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર એક મુખ્ય ધાર્મિક પર્યટન કેન્દ્ર બની ગયું છે અને સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો ઉભી કરી છે. તેમણે કહ્યું હતું કે, મહાકુંભ દરમિયાન 1.26 કરોડ શ્રદ્ધાળુઓએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું ઓડિટ કેગ દ્વારા કરવામાં આવે છે.
રામ મંદિર દ્વારા કૂલ 2150 કરોડનો ખર્ચ
રામ મંદિર ટ્રસ્ટની રચના ફેબ્રુઆરી 2020 માં કરવામાં આવી હતી. 5 વર્ષમાં ટ્રસ્ટ દ્વારા સરકારની વિવિધ એજન્સીઓમાં 396 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિના નક્શા માટે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ સાથે જ 29 કરોડ રૂપિયા જમીન નોંધણી ફી રેવન્યુ ટેક્સ તરીકે ચૂકવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 10 કરોડ રૂપિયાના વીજ બિલની ચૂકવણી કરવામાં આવી છે. સાથે જ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્ય નિર્માણ નિગમને 200 કરોડ રૂપિયાનું કામ સોંપવામાં આવ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કુલ 2150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અયોધ્યા રામ મંદિરનું નિર્માણ ક્યા પૂર્ણ થશે?
અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે તેની માહિતી પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રસ્ટનું કહેવું છે કે જૂન સુધીમાં આખું મંદિર તૈયાર થઈ જશે. જો કે, સમગ્ર બાંધકામનું કામ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. મંદિરનું નિર્માણ 96 ટકા પૂર્ણ થયું છે. 30 એપ્રિલ સુધી રામ મંદિરમાં બનનારી તમામ મૂર્તિઓને તેમની જગ્યાએ સ્થાપિત કરી દેવામાં આવશે.