Baba Siddique Murder Case : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરી છે. 18 આરોપીઓમાંથી ચાર આરોપીઓએ પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓને 25 લાખ રૂપિયા, એક કાર, એક ફ્લેટ અને દુબઈ પ્રવાસનું વચન આપવામાં આવ્યું હતું.
શહેર ક્રાઇમ બ્રાંચે બુધવારે હત્યાના કાવતરામાં કથિત ભૂમિકા બદલ પૂણેના બે રહેવાસીઓની ધરપકડ કરી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રામફૂલચંદ કનૌજિયા (43)ની ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ચાર આરોપીઓ – રૂપેશ મોહોલ (22), શિવમ કોહાડ (20), કરણ સાલ્વે (19) અને ગૌરવ અપુન(23)ને દુબઈ યાત્રા- 25 લાખ રૂપિયા રોકડા, એક કાર અને એક ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો.
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે કનૌજિયાને એક વોન્ટેડ આરોપી ઝીશાન અખ્તર (23) પાસેથી પૈસા મળવાના હતા. અમે આ સમગ્ર મામલાની ચકાસણી કરી રહ્યા છીએ. મૂળ પંજાબના જાલંધરના રહેવાસી અખ્તર પર લગભગ 10 બેંક ખાતાઓ ચલાવવાનો અને હત્યાને અંજામ આપવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓને 4 લાખ રૂપિયાથી વધુ મોકલવાનો આરોપ છે.
આ પણ વાંચો – ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ બની શકે છે CIA ના નવા ચીફ?
બે ઓરોપીને 13 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
બુધવારે ધરપકડ કરાયેલા પૂણેના કર્વે નગરના રહેવાસી આદિત્ય ગુલનકર (22) અને રફીક શેખ (22)ને એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને 13 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસના એક સૂત્રે જણાવ્યું હતું કે તેઓ ગરીબ પરિવારોમાંથી આવે છે. મોહોલની પૂછપરછ દરમિયાન તેમના નામ સામે આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગુલનકરને પુણે નજીક ખડકવાસલા નજીક હથિયારો સંભાળવાની તાલીમ આપવામાં આવી હતી. શરુઆતમાં વધુ શૂટરોને હાયર કરવાનો નિર્ણય લેવાયો હતો, પણ માસ્ટર માઈન્ડે આ સંખ્યા ઘટાડીને ત્રણ કરવાનો નિર્ણય લીધો. આ જ કારણ હતું કે આરોપીએ વધુ હથિયારોની વ્યવસ્થા કરી હતી.
બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ હત્યા થઇ હતી
બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ બાંદ્રા પૂર્વમાં તેમના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. ગોળીબાર બાદ તરત જ બે શૂટરોને પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે તેમાંથી એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં તપાસકર્તાઓએ આરોપીઓ પાસેથી તુર્કી અને ઓસ્ટ્રેલિયામાં બનેલી પિસ્તોલ અને 64 રાઉન્ડ દારૂગોળો સહિત પાંચ હથિયારો જપ્ત કર્યા છે. હત્યા પાછળનો હેતુ શું છે તે હજી સુધી જાણી શકાયું નથી. ધરપકડ કરાયેલા 18માંથી 14 લોકો જેલમાં છે જ્યારે ચાર પોલીસ કસ્ટડીમાં છે. કથિત ષડયંત્ર પંજાબ, યુપી અને પૂણેના આરોપીઓએ રચ્યું હતું.