Lawrence Bishnoi Gang In Baba Siddiqui Murder: મહારાષ્ટ્રના એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની ભૂમિકા હોવાના સંકેત મળ્યા છે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે પોતાની ભૂમિકાની કબૂલાત કરી છે. આ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી.
તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે, સલમાન ખાન, અમે આ લડાઇ ઇચ્છતા ન હતા. પરંતુ બાબાની હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ અને અનુજ થાપન સાથે તેમનો સંબંધ હતો.
તમને જણાવી દઇયે કે, એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઇમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા ઇસ્ટમાં આરોપીઓએ 3 વખતના વખતના ધારાસભ્ય બાબ સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી હતી.
આ ઘટના બાદ પોલીસ તપાસમાં વ્યસ્ત છે. પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓએ દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઇ ગેંગના છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બે આરોપીઓ – હરિયાણાના 23 વર્ષીય ગુરમેલ બલજીત સિંહ અને ઉત્તર પ્રદેશના 19 વર્ષીય ધરમરાજ રાજેશ કશ્યપે પૂછપરછ દરમિયાન દાવો કર્યો હતો કે તેઓ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગના છે, જે હાલમાં જેલમાં છે. આ ગેંગ કથિત રીતે બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર ફાયરિંગમાં પણ સામેલ હતી, જેની સાથે બાબા સિદ્દીકીના ગાઢ સંબંધ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓએ હત્યાની તૈયારીના ભાગરૂપે છેલ્લા 25-30 દિવસથી આ વિસ્તારની રેકી કરવાનો પણ દાવો કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હુમલાખોરોને એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યું હતું અને તેમને થોડા દિવસો પહેલા જ હથિયારો મળ્યા હતા. દરમિયાન આ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ આ ઘટનાની જવાબદારી લીધી છે.
Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યા
સમગ્ર ઘટનાક્રમની વાત કરીયે તો, આરોપીઓએ રાત્રે 9.15 થી 9.20 વાગ્યાની વચ્ચે બાબા સિદ્દીકીને ગોળી મારી દીધી હતી, જે પોતાના પુત્ર સાથે બાંદ્રા સ્થિત ઓફિસથી નીકળી રહ્યા હતા. મોંઢા પર રૂમાલ બાંધીને આવેલા શૂટરોએ નેતા પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્રણ ગોળીઓ તેમને વાગી અને તે જમીન પર પડી ગયા. હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.