Bahraich Wolves Strike : ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના 35 ગામના લોકો વરુના ભયમાં જીવી રહ્યા છે. આ ગામોમાં લોકો આખી રાત જાગતા રહીને પોતાના ઘરની સુરક્ષા કરી રહ્યા છે. આ ગામોના લોકોએ પોતાની આપવીતી આ રીતે વર્ણવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે બધું જ થોડીક સેકંડમાં થઈ ગયું. મીરા દેવી સોમવારે સવારે 3 વાગ્યે અચાનક જાગ્યા હતા. તે સમયે તેમને અચાનક ખ્યાલ આવ્યો કે તેની બાજુમાં જ આગલી રાત્રે સૂતેલી તેની બે વર્ષની પુત્રી અંજલિ ગુમ થઈ ગઈ હતી. મીરા શોર કરે પોતાના પતિને જગાડે તે પહેલાં તો વરુઓ અંજલિને લઇ ગયાં હતાં. બે કલાક બાદ અંજલિનો વિકૃત મૃતદેહ બહરાઇચ જિલ્લાના ગુરુ દત્ત સિંહ પુરવા ગામ નજીક શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો.
વરુઓ બાળકોને નિશાન બનાવે છે
છેલ્લા બે મહિનામાં ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના માહસી તાલુકાના 35 ગામોમાં સૂર્યાસ્ત પછી છ વરુઓનું એક જૂથ લોકોને, ખાસ કરીને બાળકોને નિશાન બનાવી રહ્યું છે. વન અધિકારીઓનું કહેવું છે કે અંજલિ ઉપરાંત વરુઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ પુખ્ત વયના લોકો પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે વરુ બાળકોને મોઢેથી પકડીને લઇ જાય છે.
17 જુલાઈથી 2 સપ્ટેમ્બર (સોમવાર)ની વચ્ચે વરુઓએ આઠ લોકોને મારી દીધા છે. જેમાં આઠ વર્ષથી ઓછી ઉંમરના સાત બાળકો સામેલ છે અને 18 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. પહેલું મોત 17 જુલાઈના રોજ સિકંદરપુર ગામમાં એક મહિનાના બાળકનું થયું હતું. રાજ્ય દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
‘ઓપરેશન ભેડિયા’ શરૂ
વરુના હુમલા શરૂ થયા ત્યારથી વન વિભાગે પ્રાણીઓને પકડવા માટે ‘ઓપરેશન ભેડિયા’ શરૂ કર્યું છે. દેવીપાટન વિભાગના વન સંરક્ષક મનોજ સોનકરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને ફોન પર જણાવ્યું હતું કે લગભગ દોઢ મહિના પહેલા, અમારા થર્મલ કેમેરા અને ડ્રોન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં છ વરુઓ મળી આવ્યા હતા. અમને તેમના પગના નિશાન પણ મળી ગયા છે. આ પહેલને કારણે 3 ઓગસ્ટથી 29 ઓગસ્ટ ની વચ્ચે ચાર વરુ – બે નર અને બે માદાને પકડવામાં આવ્યા હતા, તેમ છતાં બે વરુઓ હજુ પણ પકડાયા નથી.
31 ઓગસ્ટની સવારે કોલૈલા અને સિસૈયા ગામ નજીક ડ્રોન દ્વારા બે વરુઓ જોવા મળ્યા હતા. ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો હતો. અધિક પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ રેણુ સિંહ, જે લગભગ એક અઠવાડિયાથી બહરાઇચમાં છે. તેમના જણાવ્યા અનુસાર બંને વરુને પકડવા માટે રેન્જ અને ડિવિઝનલ બંને સ્તરની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.
વરુઓને પકડવા 25 ટીમો તૈનાત
છેલ્લા કેટલાક દિવસોમાં વન અધિકારીઓએ 5 કિ.મી.ની ત્રિજ્યામાં બે વરુ દેખાયા હોવાના અહેવાલ આપ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં રેન્જર્સ, ફોરેસ્ટર, ગાર્ડ્સ અને વોચર્સ સહિત 25 વન ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રેન્જ અને સબ-ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરો સાથે પડોશી જિલ્લાઓના ત્રણ વિભાગીય વન અધિકારીઓ પ્રાણીઓની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. થર્મલ કેમેરાથી સજ્જ ચાર ડ્રોનની માહિતીના આધારે “વ્યૂહાત્મક રીતે” મુકવામાં આવ્યા છે જે હાલમાં વરુઓ પર નજર રાખી રહ્યા છે. તેમને આકર્ષવા માટે અધિકારી રંગબેરંગી પોશાક પહેરીને બકરીઓ અને ઢીંગલીઓનો વરુને પકડવા માટે ઉપયોગ કરી રહ્યા છે.
બપોરે ત્રણ વાગ્યે સિસૈયા ગામમાં તૈયારીઓનો તાગ મેળવવા માટે વન વિભાગની જીપમાં જઈ રહેલા બહરાઇચના વિભાગીય વન અધિકારી (ડીએફઓ) અજિતકુમાર સિંહે જણાવ્યું હતું કે પકડાયેલા ચાર વરુમાંથી એકનું મોત નીપજ્યું છે. ડીએફઓનું કહેવું છે કે, પકડાયેલા વરુમાંથી બેને લખનઉ ઝૂમાં અને ત્રીજાને ગોરખપુર ઝૂમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો – આરોપીને ફાંસીની સજા, આ રાજ્યમાં બળાત્કાર વિરોધી બિલ રજૂ
કતર્નિયાઘાટ વન્યજીવન અભયારણ્યથી લગભગ 80 કિમી દૂર અને સરયુ નદીથી 55 કિમી દૂર સ્થિત માહસી તાલુકામાં આ હુમલા કેમ થઈ રહ્યા છે? આ સવાલ પર વન સંરક્ષક સોનકર કહે છે મને લાગે છે કે આ વરુ મૂળ એક નદી પાસે રહેતા હતા, જ્યાં તેમને શિકાર અને પાણી મળી જતા હતા. મને લાગે છે કે તેઓ તેમના કુદરતી રહેઠાણમાં પૂર આવ્યા પછી માનવ વસાહતોની નજીક ગયા. કુદરતી શિકારનો અભાવ તેમને મનુષ્ય પર હુમલો કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે અને લાગે છે કે તેઓને માનવ માંસ પ્રત્યેની રુચિ વિકસિત થઇ ગઇ છે.
વરુને લઇને સીએમ યોગી આદિત્યનાથે પણ ચિંતા વ્યક્ત કરી
સોમવારે એક નિવેદનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો હતો કે કોઈપણ કિંમતે માનવભક્ષી વરુને નિયંત્રિત કરવા અને પકડવાના પ્રયત્નો કરવામાં આવે. જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે વહીવટીતંત્રને ધાર્મિક સ્થળો, શાળાઓ, બજારો અને સરકારી ઇમારતો પર હોર્ડિંગ્સ લગાવીને જાગૃતિ ફેલાવવા નિર્દેશ આપ્યો હતો.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અરુણ કુમારને બહરાઇચ, સીતાપુર, લખીમપુર, પીલીભીત, બિજનૌર અને અન્ય જિલ્લાઓમાં સંયુક્ત પેટ્રોલિંગ સઘન બનાવવા અને વરુઓ પકડાય તો ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના વન કર્મચારીઓને તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. મંત્રીએ રહેવાસીઓને સલાહ આપી છે કે તેઓ બહાર સૂવાનું ટાળે, બાળકોને ઘરની અંદર રાખે અને રાત્રે તેમના દરવાજા સુરક્ષિત રીતે બંધ રહે તે સુનિશ્ચિત કરે. તેઓએ જૂથોમાં મુસાફરી કરવાની અને બાકીના વરુ પકડાય ત્યાં સુધી રક્ષણ માટે લાકડીઓ રાખવાની ભલામણ પણ કરી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે એવા મકાનોમાં દરવાજા લગાવ્યા છે જેમાં દરવાજા નથી.
નાકવા ગામના પ્રધાન કુડિયા દેવીના પતિ શોભા રામ કહે છે કે લોખંડના સળિયા, લાકડીઓ અને મશાલોથી સજ્જ 10-10ના જૂથમાં પુરુષો છેલ્લા બે અઠવાડિયાથી રાત્રે ગામડાઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. ગૌરી ગામની રહેવાસી 70 વર્ષીય શારદા દેવીનું કહેવું છે કે મહિલાઓ અને બાળકો આખી રાત ઘરની અંદર જ રહે છે અને દરવાજો ત્યારે જ ખોલે છે જ્યારે પુરુષો સવારે પાછા ફરે છે.
વરુને દૂર રાખવા માટે સ્થાનિકોએ ગામમાં લાઈટો અને લાઉડસ્પીકર લગાવ્યા છે. પ્રાણીઓને દૂર રાખવા માટે કેટલીકવાર ફટાકડા પણ સળગાવવામાં આવે છે. આ હુમલાઓને પગલે સ્થાનિક શાળામાં હાજરીમાં કામચલાઉ ઘટાડો થયો હતો. બગગાર ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સુનિલ કુમાર કહે છે ચાર વરુ પકડાયા બાદ હવે હાજરીમાં સુધારો થયો છે.
અસરગ્રસ્ત ગામોમાં પડાવ નાખી રહેલા મહાસીથી ભાજપના ધારાસભ્ય સુરેશવર સિંહનું કહેવું છે કે વરુઓએ 20 કિલોમીટરની ત્રિજ્યામાં લગભગ 70,000 લોકોને અસર કરી છે.
(મનીષ સાહુનો અહેવાલ)





