બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના : ભારતીય ક્રૂ મેમ્બર્સની થઇ રહી છે પ્રશંસા, અમેરિકી ગર્વનરે ગણાવ્યા હીરો

Baltimore Bridge Collapse: જહાજ પુલ સાથે ટકરાઈ જાય છે અને થોડી જ ક્ષણોમાં બાલ્ટીમોર બ્રિજ તુટીને પાણીમાં ગરકાવ થઈ જાય છે

Written by Ashish Goyal
March 27, 2024 15:35 IST
બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના : ભારતીય ક્રૂ મેમ્બર્સની થઇ રહી છે પ્રશંસા, અમેરિકી ગર્વનરે ગણાવ્યા હીરો
અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં મંગળવારે 'ફ્રાન્સિસ સ્કોટ કી' બ્રિજ ધરાશાયી થયો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

Baltimore Bridge Collapse: અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં મંગળવારે ‘ફ્રાન્સિસ સ્કોટ કી’ બ્રિજ ધરાશાયી થયો હતો. આ પુલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. સિંગાપોરનું જહાજ ‘ફ્રાન્સિસ સ્કોટ કી’ બ્રિજ સાથે ટકરાયા બાદ આ અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધી મળતી માહિતી મુજબ છ લોકો હજુ પણ લાપતા છે.

સિંગાપોરના કાર્ગો શિપ સાથે સંકળાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સની આ દરમિયાન ઘણી જ પ્રશંસા થઈ રહી છે. કારણ છે તેમની ચપળતા અને સક્રિયતા. મેરીલેન્ડ રાજ્યના ગવર્નરે કાર્ગો શિપના આ ક્રૂ મેમ્બર્સને હીરો ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા છે.

કેમ હીરો ગણવામાં આવી રહ્યા છે?

માલવાહક જહાજ સાથે સંકળાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સને હીરો ગણાવવાનું કારણ તેમની સમયસર ચેતવણી જારી કરવાનું છે. ગર્વનર વેસ મૂરેએ કહ્યું હતું કે એમની ચેતવણી મળ્યા બાદ તત્કાળ પગલાં લેવામાં આવ્યાં હતાં અને બ્રિજ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. જો તેમણે ચેતવણી ન આપી હોત તો અહીં મોટો અકસ્માત થઈ શક્યો હોત.

આ પણ વાંચો – જહાજ ટકરાતા જોત જોતામાં પુલ તુટી પડ્યો, ઘણી ગાડીઓ નદીમાં પડી, જુઓ Video

આ એક અકસ્માત હતો, અત્યારે આતંકવાદી એંગલ જેવું કશું જ મળ્યું નથી

મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરેએ જણાવ્યું હતું કે સમયસર ચેતવણી આપવામાં આવી હતી. જેના કારણે પુલ તરફ જતા વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. ગવર્નરે કહ્યું કે આ એક અકસ્માત હતો, અત્યારે આતંકવાદી એંગલ જેવું કશું જ મળ્યું નથી. બે લોકોને પાણીની અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

બાલ્ટીમોર બ્રિજ 1977માં ખુલ્લો મૂકાયો હતો

બાલ્ટીમોર બ્રિજ કી બ્રિજ તરીકે ઓળખાય છે અને તેને 1977માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજની લંબાઈ 2632 મીટર છે. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જહાજ પુલ સાથે ટકરાઈ જાય છે અને થોડી જ ક્ષણોમાં પુલ તુટીને પાણીમાં ગરકાવ થઈ જાય છે. તપાસ બાદ જાણવા મળ્યું છે કે જ્યારે જહાજ પુલ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેની ઝડપ સતત વધી રહી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ