Bangladesh Crisis | બાંગ્લાદેશ કટોકટી : બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા અને આગચંપી વચ્ચે બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ટોળું શોધી શોધી હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. જ્યાં તોફાનીઓએ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી.
બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારના અહેવાલ મુજબ, 27 જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. મંદિરો પર પણ હુમલા થયા છે. રિપોર્ટ અનુસાર, લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિંદુ કાર્યો સાથે સંકળાયેલી પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરની તોડફોડ કરવામાં આવી છે અને લૂંટ કરવામાં આવી છે.
તોફાનીઓએ નગરપાલિકાના સભ્ય મુહીન રોયની કોમ્પ્યુટરની દુકાનમાં પણ તોડફોડ કરી હતી અને લૂંટ ચલાવી હતી. કાલીગંજ ઉપજિલ્લાના ચંદ્રપુર ગામમાં 4 હિન્દુ પરિવારોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. હાથીબંધા ઉપજિલ્લાના પુરબો સરદુબી ગામમાં 12 હિન્દુઓના ઘરોને આગ લગાડવામાં આવી છે.
બાંગ્લાદેશી મીડિયા અનુસાર, પંચગઢમાં ઘણા હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. ઓક્યા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથે કહ્યું કે, એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. તેમને સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે.
મંદિરમાં તોડફોડ, ઘરો પર હુમલા
રિપોર્ટ અનુસાર હિંદુઓને તેમના ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે અને માર મારવામાં આવે છે. તેમની દુકાનો લૂંટાઈ રહી છે. આ હુમલાઓને કારણે હિન્દુઓ ભયના છાયામાં જીવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દિનાજપુર શહેર અને અન્ય ઉપનગરોમાં 10 હિન્દુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ શહેરના રેલબજારહાટમાં એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી.
આ પણ વાંચો – World War! 10 દેશ, 10 કારણો અને વિશ્વ યુદ્ધની અણી પર ઉભેલી દુનિયા, ક્યારે અટકશે આ હિંસા?
300 હુમલાખોરોએ ઈમારતને સળગાવી દીધી હતી
બાંગ્લાદેશ હિંદુ-બુદ્ધ ક્રિશ્ચિયન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ઉત્તમ કુમાર રોયે જણાવ્યું હતું કે, ખાનસામા ઉપજિલ્લામાં ત્રણ હિંદુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. લક્ષ્મીપુરમાં ગૌતમ મજુમદારે જણાવ્યું કે, સાંજે 7.30 વાગ્યે 200-300થી વધુ હુમલાખોરોએ તેમની બે માળની ઇમારતને આગ ચાંપી દીધી.





