Bangladesh Hindu Crisis, શુભજીત રોય : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધીમાં 5 લઘુમતી હિંદુઓ મૃત્યુ પામ્યા છે અને 200 થી વધુ હુમલાઓ થયા છે. આ આંકડો પણ માત્ર એક અઠવાડિયાનો જ છે, એવામાં જમીન પર સ્થિતિ વિસ્ફોટક બનેલી છે. ઘણા હિંદુ પરિવારો છે, જેઓ આગળ આવીને પોતાની આપબીતીનું વર્ણન કરી રહ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસે આવા જ એક પરિવાર સાથે વાત કરી છે.
બાંગ્લાદેશ હિંસા: હિન્દુ પરિવારે શું કહ્યું?
ગોપાલ રાજબોંગશી ઢાકામાં મંડા ફાર્મસીની દુકાન ચલાવે છે. જે દિવસે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું, તે દિવસે તેમની દુકાન બંધ કરી દેવામાં આવી અને તેમણે પોતાના સ્ટાફને ઘરે મોકલી દીધો. ચોંકાવનારી વાત એ હતી કે, થોડા જ કલાકોમાં કેટલાક બદમાશોએ તેમની દુકાનમાં તોડફોડ શરૂ કરી દેવામાં આી, દવાઓની તોફાનીઓ લૂંટ કરી અને 27 હજાર બાંગ્લાદેશી ચલણ લઈને ભાગી ગયા. ગોપાલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તેને કુલ 21.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
ગોપાલ હજુ પણ ડરી ગયેલો છે, તેને કહ્યું કે આ બદમાશો તેને શોધી રહ્યા છે. વાસ્તવમાં, ગોપાલ માત્ર એક દુકાનદાર નથી પણ દુર્ગા મંદિર સમિતિના વડા પણ છે. બદમાશોને આ વાત ગમતી નથી અને તેઓ તેને ખતમ કરવા માંગે છે. અત્યારે ગોપાલ તેની પત્ની, 11 વર્ષના પુત્ર અને એક વર્ષની પુત્રી સાથે અલગ-અલગ જગ્યાએ છુપાયેલો ફરે છે. હવે આ કહાની માત્ર એક પરિવારની નથી પરંતુ આવા અનેક હિંદુ પરિવારો સામે આવ્યા છે, જેમની સાથે આવું જ કઈ થઈ રહ્યું છે.
હિન્દુ સંગઠનો મોહમ્મદ યુનુસને મળશે
એક આંકડો દર્શાવે છે કે, બાંગ્લાદેશમાં એક સપ્તાહની અંદર પાંચ હિંદુઓના મોત થયા છે અને 200 થી વધુ લોકો પર હુમલા થયા છે. હવે આ દરમિયાન વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને મળવાની તૈયારીઓ ચાલી રહી છે. બાંગ્લાદેશની હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી એકતા પરિષદ વચગાળાની સરકારના વડાને મળવા જઈ રહી છે. તેઓ માત્ર તેમની સુરક્ષા અંગે અવાજ ઉઠાવશે અને સરકાર તરફથી ખાતરીની અપેક્ષા રાખી રહ્યા છે. યુનિટી કાઉન્સિલના પ્રમુખ નીમ ચંદ્રાનું કહેવું છે કે, 64 માંથી 52 જિલ્લામાં તોડફોડ અને ધાકધમકીનાં કેસ નોંધાયા છે.
એવું ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ થોડી સુધરી છે, ઘણા વિસ્તારોમાં કેટલાક મુસ્લિમો પણ મંદિરોની સુરક્ષા કરતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં શાંતિ સ્થાપવાના અનેક પ્રયાસો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો – બાંગ્લાદેશ હિંસા : શેખ હસીનાનો મોટો ખુલાસો, પોતાની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું
બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ
હાલમાં, બાંગ્લાદેશમાં 91 ટકા મુસ્લિમો અને 8 ટકાથી ઓછી હિંદુ વસ્તી છે. હવે એ આશ્ચર્યજનક નથી કે, હિન્દુઓ માત્ર 8 ટકાની આસપાસ છે, ચિંતાની વાત એ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી દર વર્ષે ઘટી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી 1971 માં 13.5 ટકા હતી, 1991 સુધીમાં આ આંકડો 10 ટકાની આસપાસ પહોંચ્યો હતો અને હવે તે ઘટીને 8 ટકાથી પણ ઓછો થઈ ગયો છે.





