Bangladesh News : બાંગ્લાદેશ હિંસા બનતાં વચગાળાની નવી સરકાર તરફ આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતના શરણે આવ્યા છે. બાંગ્લાદેશમાં હાલ વચગાળાની સરકાર અંગે થઇ રહેલા પ્રયાસ વચ્ચે પરિસ્થિતિ બેકાબૂ બની છે. આ સંજોગોમાં બાંગ્લાદેશની જેલોમાં બંધ આતંકવાદીઓ ભાગી રહ્યા છે. એવી ખબર સામે આવી રહી છે કે જેલમાંથી ભાગી રહેલા આતંકવાદીઓ ભારતીય સરહદે ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આ સ્થિતિને પગલે ભારતીય સીમા સુરક્ષા બળ (બીએસએફ) હરકતમાં આવ્યું છે અને સરહદે હાઇ એલર્ટ કર્યું છે.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં બગડેલી સ્થિતિને લીધે ભારત માટે આ સરહદ પર સુરક્ષા ચિંતાનો વિષય બની છે. હિંસા અને તોફાનને પગલે બાંગ્લાદેશમાંથી લોકો પલાયન થઇ રહ્યા છે. બાંગ્લાદેશ ભારત સરહદ હજારો કિલોમીટર સુધીની છે. બાંગ્લાદેશ સરહદ પાર કરી આતંકીઓ ભારતમાં ઘૂસવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેને પગલે ભારતે સમય સૂચકતા વાપરી સરહદ પર સુરક્ષા વધારી છે.
બાંગ્લાદેશ હિંસા માટે કારણ શું?
બાંગ્લાદેશમાં હિંસા થવા પાછળનું કારણ અનામત આંદોલન છે. વાત એમ છે કે, વર્ષ 1971 યુદ્ધ દરમિયાન જે જવાનો શહીદ થયા હતા એમના પરિવારને નોકરીમાં અનામત આપવાની વાત થઇ હતી. જેના વિરોધમાં બાંગ્લાદેશના યુવાઓ નારાજ થયા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનોએ શરુ કરેલ અનામત આંદોલન એટલું ઉગ્ર બની ગયું કે, સરકાર પણ એને કંટ્રોલ ન કરી શકી અને દેશ આજે ભડકે બળી રહ્યો છે.
આંદોલન હવે કટ્ટરપંથીઓના હાથમાં
બાંગ્લાદેશમાં અનામત આંદોલન ભલે યુવાનોએ શરુ કર્યું હતું. પરંતુ હવે આંદોલન જમાતી ઇસ્લામ અને બીજા કટ્ટરપંથી સંગઠનોએ જાણે ટેક ઓવર કરી લીધું છે. યુવાનો જાણે કટ્ટરપંથી સંગઠનોના હાથો બની હિંસા કરી રહ્યા હોય એવી સ્થિતિ પ્રવર્તી રહી છે. દેશમાં હિન્દુ મંદિર અને મહિલાઓને ટારગેટ બનાવવામાં આવી રહ્યા છે. હિંસા કોમી તોફાનમાં ફેરવાઇ રહ્યું છે.
બાંગ્લાદેશ નવી સરકાર બનાવશે મોહમ્મદ યૂનુસ
બાંગ્લાદેશ નવી વચગાળા સરકાર તરફ આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશમાં અનામતની આગ વિકરાળ બનતાં વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ છોડી ભારત આવી ગયા છે. ભારતમાં આવી તેમણે શરણ લીધી છે. આ સંજોગોમાં આંદોલન શરુ કરનાર યુવા સંગઠનો દ્વારા લંડન સ્થિત નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવે એવી માંગ કરી હતી. જેને પગલે હવે ત્યાં મોહમ્મદ યૂનુસ વચગાળા સરકાર બનાવવા જઇ રહ્યા છે.