Bangladesh Protests Updates : હિંસા વચ્ચે શેખ હસીનાએ દેશ છોડ્યો, આર્મીએ કહ્યું – વચગાળાની સરકાર બનાવાશે

Bangladesh Protests Updates : રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેનાએ કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉજ-ઝમાને કહ્યું કે વડાપ્રધાન હસીનાએ રાજીનામું આપી દીધું છે. વચગાળાની સરકાર દેશને ચલાવશે. અમે દેશમાં શાંતિ પાછી લાવીશું. અમે નાગરિકોને હિંસા બંધ કરવા વિનંતી કરીએ છીએ

Written by Ashish Goyal
Updated : August 05, 2024 21:03 IST
Bangladesh Protests Updates : હિંસા વચ્ચે શેખ હસીનાએ દેશ છોડ્યો, આર્મીએ કહ્યું – વચગાળાની સરકાર બનાવાશે
બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેમણે દેશ પણ છોડી દીધો છે

Bangladesh Protests Updates : ભારતના પડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. શેખ હસીના હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચ્યા છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધી હિંસક થયેલા વિરોધ પ્રદર્શનમાં 300 લોકોના મોત થયા છે.

શેખ હસીના બાંગ્લાદેશ એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા ગાઝિયાબાદમાં ભારતીય વાયુસેનાના હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા. સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એનએસએ અજીત ડોભાલ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ શેખ હસીનાને હિંડન એરબેઝ પર મળ્યા છે. ભારતીય વાયુસેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ શેખ હસીનાને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.

વચગાળાની સરકાર દેશને ચલાવશે – બાંગ્લાદેશ આર્મી ચીફ

રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેનાએ કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉજ-ઝમાને કહ્યું કે વડાપ્રધાન હસીનાએ રાજીનામું આપી દીધું છે. વચગાળાની સરકાર દેશને ચલાવશે. અમે દેશમાં શાંતિ પાછી લાવીશું. અમે નાગરિકોને હિંસા બંધ કરવા વિનંતી કરીએ છીએ. અમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલી તમામ હત્યાઓની તપાસ કરીશું.

દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીએ ઢાકા પહોંચ્યા હતા. તેઓ વડા પ્રધાન હસીનાના રાજીનામાની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. ઢાકામાં પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના સંસ્થાપક અને શેખ હસીનાના પિતા મુજીબ ઉર રહમાનની મૂર્તિને પણ તોડી નાખી છે.

ભારતના વિદેશ મંત્રાલયે તમામ નાગરિકોને બાંગ્લાદેશની મુસાફરી ટાળવા અને પહેલેથી જ ત્યાં રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા, તેમની હિલચાલ પર પ્રતિબંધ મૂકવા અને ઢાકામાં હાઈ કમિશન સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશ અનામત વિરોધ : બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી, હિંસાથી ભારત ઉપર શું અસર થશે?

ગયા મહિને શરુ થયા હતા વિરોધ પ્રદર્શનો

ગયા મહિને 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો માટે અનેક સિવિલ સર્વિસની નોકરીઓમાં આપવામાં આવેલા અનામતને લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પછી સરકારે મોટાભાગનો ક્વોટા પાછો ખેંચી લીધો છે, પરંતુ વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે.

બાંગ્લાદેશમાં હિંસાની ભારત પર અસર

હવે જો બાંગ્લાદેશ હિંસાની ભારત પર અસર વિશે વાત કરીએ તો દેશના વેપાર પર ભારે અસર થવાની સંભાવના છે. ભારત અને દક્ષિણ એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટ પેટ્રાપોલમાં પણ ઘણી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. બાંગ્લાદેશ સાથેના વેપાર પર અસરને કારણે આશરે રૂ. 150 કરોડનું નુકસાન થાય છે, જ્યારે પેટ્રાપોલ અને બેનાપોલ સરહદો દ્વારા વાર્ષિક વેપાર રૂ. 30,000 કરોડની આસપાસ છે. તે જ સમયે, ઇન્ટરનેટ બંધ થવાને કારણે, વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિને કારણે ત્યાંના લોકો શરણ મેળવવા માટે ભારત તરફ વળે છે. આ કારણે બીએસએફના જવાનો સરહદ પર સંપૂર્ણ રીતે એલર્ટ છે. ભારતીય સેના ફુલ એલર્ટ મોડ પર છે જેથી કોઈ પણ વ્યક્તિ ભારતમાં ગેરકાયદે પ્રવેશ ન કરે. પરંતુ હજુ પણ બાંગ્લાદેશને અડીને આવેલા ત્રિપુરા, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ