Bangladesh Protests Updates : બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ ખતમ કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ કારણે ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલતને કાબુમાં લેવા માટે રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લગાવી દીધો છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયેલા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે. ભારતીય હાઈ કમિશન પણ આમાં વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, બંદરગાહ અને સીમા સુરક્ષા દળને સહકાર આપી રહ્યું છે.
1000થી વધુ વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા
રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 778 ભારતીય વિદ્યાર્થીઓ પોર્ટ દ્વારા ભારત પરત ફર્યા છે. 200 થી વધુ વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ દ્વારા ફ્લાઇટ દ્વારા ઘરે પરત ફર્યા છે. લગભગ 4,000 વિદ્યાર્થીઓ હજી પણ બાંગ્લાદેશની એક યુનિવર્સિટીમાં ફસાયેલા છે અને ભારત પાછા ફરવા માંગે છે.
મૃતકોની સંખ્યા વધીને 114 થઈ
રોઇટર્સ અનુસાર બાંગ્લાદેશ સરકારે રવિવાર (21 જુલાઈ) અને સોમવાર (22 જુલાઈ) એમ બે દિવસ જાહેર રજાઓ જાહેર કરી છે. જેમાં માત્ર ઇમરજન્સી સેવાઓને બે દિવસોમાં કાર્યરત રહેવાની મંજૂરી આપવામાં આવી છે. મૃતકોની સંખ્યા વધીને 114 થઈ ગઈ છે.
આ પણ વાંચો – કાશ્મીરમાં આતંકીઓ પાસેથી મળી Steyr AUG એસોલ્ટ રાઇફલ્સ, જાણો કેટલી છે ખતરનાક
બાંગ્લાદેશથી વિદ્યાર્થીઓની પરત ફરવાની સુવિધા આપતા બોર્ડર સિક્યુરિટી ફોર્સે કહ્યું કે તે વિદ્યાર્થીઓના ધસારાને સંભાળવા અને તેને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. BSF હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે અથાક મહેનત કરી રહ્યું છે.
વિવાદિત ક્વોટા સિસ્ટમને લઈને જૂનમાં બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ઝડપ થઈ હતી. આ પછી હિંસા ભડકી ઉઠી હતી. ઘણા સંગઠનો વિરોધને આગળ ધપાવી રહ્યા છે અને દેશવ્યાપી બંધનું આહ્વાન પણ કર્યું છે.





