Bangladesh Violence Reason And Impact On India: બાંગ્લાદેશમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ વિસ્ફોટક બની રહી છે, જેની અસર ભારતને પણ થઇ શકે છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે અનામત સામે શરૂ થયેલો વિરોધ આ રીતે હિંસક બની જશે. યુવાનો હાથમાં તલવાર લઈને આવ્યા હોય, સેના અને પોલીસ સામે લડવા માટે આતુર હોય તેવી સ્થિતિ ચાલી રહી છે. તો બીજી તરફ શેખ હસીના સરકારે પણ શૂટ એટ સાઈટના ઓર્ડર જારી કર્યા છે. 100થી વધુ લોકોના મોત થયા છે, ઘણા ઘાયલ થયા છે, પરંતુ સ્થિતિ સામાન્ય થતી દેખાઇ રહી નથી.
બાંગ્લાદેશમાં રહેણાંક વિસ્તારોમાં પહોંચી સેના
બાંગ્લાદેશમાં વધી રહેલી હિંસાથી સમગ્ર દુનિયા ચિંતિત છે, અમુક નિષ્ણાતોનું માનવું છે કે યુવાનોની આ નારાજગી શેખ હસીનાની સરકારને મોંઘી પડી શકે છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ટૂંક સમયમાં જ બધું વ્યવસ્થિત નહીં થાય તો આ દેશ ગૃહયુદ્ધ તરફ ધકેલાઇ શકે છે. બાંગ્લાદેશમાં ઘણા વર્ષો બાદ જોવા મળી રહ્યું છે કે, રહેણાંક વિસ્તારોમાં પણ સેનાના વાહનો દોડી રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે તેમને કચડી પણ શકે છે.
બાંગ્લાદેશ માં કટોકટી દેવી સ્થિતિ, ટીવી ચેનલ બંધ
બાંગ્લાદેશમાં ભયંકર તોફાન અને ઓફિસોમાં આગચંપી કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં આ સમયે કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, સરકારને ઢાકા અને અન્ય ઘણા શહેરોમાં ઇન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે. ઘણી ટીવી ન્યૂઝ ચેનલોના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશની ઘણી વેબસાઈટ પણ આ સમયે ખુલી રહી નથી. આ પ્રકારની પરિસ્થિતિ યુવાનોને વધુ ઉશ્કેરી રહી છે અને હિંસા વધી રહી છે.
બાંગ્લાદેશ: વિદ્યાર્થી આંદોલન દેશ વિરોધી તાકાતના હાથમાં?
બાંગ્લાદેશમાં તાજેતરની હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે, મોટી સંખ્યામાં લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. પરંતુ આ બધું હોવા છતાં પણ સ્થિતિ સામાન્ય જણાતી નથી. અવિશ્વાસનું અંતર એટલું વધી ગયું છે કે સ્થળે સ્થળે આકાશમાં હેલિકોપ્ટર ઉડી રહ્યા છે, તેમના પરથી લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાતં હિંસાની તપાસ થઈ રહી છે ત્યારે જાણવા મળે છે કે, આ વિરોધ હવે વિદ્યાર્થીઓ કરતાં વધુ દેશ વિરોધી તાકાતોના હાથમાં આવી ગયો છે.

હિંસામાં સામેલ ચીન-પાકિસ્તાનનું ‘મિત્ર’?
બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને વધુ ઉશ્કેરવાનું કામ જમાત-ઉલ-મુઝાહિદ્દીન બાંગ્લાદેશ કરી રહ્યું હોવાના ઈનપુટ છે. આ સંગઠનને લાંબા સમયથી પાકિસ્તાન અને ચીનનું મોટું સમર્થન માનવામાં આવે છે. તેની તાકાત ફરીથી ભારત માટે પણ સારી બાબત નથી. આ કારણથી કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં હિંસાની અસર ભારત પર પણ પડી શકે છે. હાલ બાંગ્લાદેશથી સ્થળાંતરનું કેન્દ્ર બિંદુ પણ ભારત જ છે, આવી સ્થિતિમાં આ બાબાતને પણ નજરઅંદાજ ન કરી શકાય.
ભારતની સમસ્યા કેવી રીતે વધી?
વાસ્તવમાં બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં નેપાળી અને ભૂટાની લોકો ભારતના મેઘાલયમાં પહોંચી ગયા છે. આ કારણે રાજ્યમાં આશ્રય લેનારા લોકોની સંખ્યા 670થી વધુ જણાવવામાં આવી રહી છે. ગૃહ વિભાગનો એક આંકડો દર્શાવે છે કે બાંગ્લાદેશથી 204 ભારતીયો, 158 નેપાળી અને એક ભૂતાનવાસી મેઘાલય પહોંચ્યા છે. આગામી દિવસોમાં આ આંકડો હજુ વધી શકે છે. આવી સ્થિતિમાં અસ્થિર બાંગ્લાદેશને કારણે ભારતમાં ગેરકાયદે પ્રવેશની ઘટનાઓ વધી શકે છે.
ભારતના આ રાજ્યો એલર્ટ
આ કારણે બીએસએફના જવાનો સંપૂર્ણ રીતે બંગાળમાં તૈનાત છે. એક તરફ તેઓ ભારતીયોની વાપસી સુનિશ્ચિત કરી રહ્યા છે, તો બીજી તરફ તેઓ કોઈને પણ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા દેતા નથી. પરંતુ તેમ છતાં બાંગ્લાદેશને અડીને આવેલા ત્રિપુરા, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં તણાવની સ્થિતિ બની શકે છે. આનું મોટું કારણ એ છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસામાં ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠનોનો પણ હાથ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તેમનો પ્રભાવ વધે છે, તો તે કિસ્સામાં ભારતના આ રાજ્યોમાં અલગતાવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે.
આ પણ વાંચો | હિંસા વચ્ચે બાંગ્લાદેશમાંથી 1000 ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી, જાણો કેવી છે પડોશી દેશની સ્થિતિ
બાંગ્લાદેશ કેમ સળગી રહ્યું છે?
અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે તેનું કારણ સમજવું પણ જરૂરી છે. વાસ્તવમાં 1971માં પાકિસ્તાનથી દેશની આઝાદી માટે લડનારા યુદ્ધ વીરોના પરિજનોને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત આપવાની વાત ચાલી રહી છે. હવે ઢાકા અને અન્ય શહેરોમાં વિદ્યાર્થીઓ આ અનામતનો વિરોધ કરી રહ્યા છે, તેઓ તેને ભેદભાવપૂર્ણ માને છે, તેને વધારીને 10 ટકા કરવાની વાત કરે છે.
આની પાછળ એક એવી પણ કહાની છે કે બાંગ્લાદેશમાં યુવાનો સરકારી નોકરીઓને લઈને ખૂબ જ ભાવુક છે, તેમના માટે આ કોઈ મોટી પોસ્ટથી કમ નથી. આવી સ્થિતિમાં, જો તેમની તકો ઓછી થાય છે, તો પછી તેઓ તેમના ભવિષ્યની ચિંતા કરવાનું શરૂ કરશે. એટલે જ આ રીતે શેરીઓમાં હિંસા ઉકળી રહી છે.





